જિલ્લામાં હજુ પણ 58.23 ટકા રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી
રાજકોટ જિલ્લામાં ઈ-કેવાયસીની 41.77 ટકા કામગીરી થઇ
NFSA કેટેગરીમાં જિલ્લામાં 71.88 ટકા કામગીરી, જામકંડોરણા તાલુકો મોખરે
રાજકોટ : રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ઈ-કેવાયસી માટે વખતો -વખત મુદત વધારવા છતાં પણ રાજકોટ જિલ્લામાં 31 માર્ચની મુદત વીત્યા બાદ હજુ પણ 58.23 ટકા રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ઈ-કેવાયસીની 41.77 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. જો કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મફત અનાજ વિતરણનો લાભ લઈ રહેલા અગ્રતા યાદી વાળા કુટુંબ એટલે કે, NFSA કેટેગરીમાં જિલ્લામાં 71.88 ટકા કામગીરી થઇ છે જેમાં જામકંડોરણા તાલુકો મોખરે રહ્યો છે.
પુરવઠા વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજકોટ જિલ્લામાં અંદાજે 37,85,000 રેશનકાર્ડમાં સમાવિષ્ઠ નાગરિકો પૈકી 15,81,000 સભ્યોના ઈ-કેવાયસી કરી લેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં એકંદરે સ્થિતિ જોવામાં આવે તો કુલ 41.77 ટકા રેશનકાર્ડમાં સમાવિષ્ઠ જનસંખ્યાની ઈ-કેવાયસી કામગીરી થઇ છે. ઈ-કેવાયસીની ઓવરઓલ કામગીરીમાં 68.30 ટકા કામગીરી સાથે જામકંડોરણા તાલુકો જિલ્લામાં પ્રથમ ક્રમે છે. જયારે સૌથી નબળી કામગીરી રાજકોટ ઝોન-4 દક્ષિણ મામલતદાર વિભાગ છે. અહીં માત્ર 22.57 ટકા જ કામગીરી થઇ હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ NFSA એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હેઠળ સમાવિષ્ઠ થયેલા રેશનકાર્ડ ધારકોની કુલ 13.35 લાખ જનસંખ્યા પૈકી 9.60 લાખ જનસંખ્યાનું ઈ-કેવાયસી કરી લેવામાં આવ્યું છે.ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો NFSA કેટેગરીમાં જિલ્લામાં કુલ 71.88 ટકા ઈ-કેવાયસી થયા છે જેમાંથી હવે માત્ર 28.12 ટકા જ કામગીરી બાકી છે. NFSA કેટેગરીમાં પણ જામકંડોરણા તાલુકો 88 ટકા સાથે પહેલા ક્રમે છે જયારે રાજકોટ ઝોન -4 51.86 ટકા સાથે ઈ-કેવાયસીમા સૌથી નીચા ક્રમે છે.