રાજકોટ : નાના મવા પરનો કમરતોડ રસ્તો ; ગેરેન્ટીવાળા રસ્તાઓની જ હાલત ‘ચાઇના’ના માલ જેવી !!
- રોડ રસ્તા ઝુંબેશ
- રિપેરિંગના નામે તંત્રએ રોડ સાથે લોકોની આંખમાં પણ ધુળ નાખી : ગગનચૂંબી ઇમારતના ચોકની હાલત જ બિસ્માર બની ગઈ
- કોર્પોરેશનના પાપે ગેરેન્ટીવાળા રસ્તાઓની જ હાલત ‘ચાઇના’ના માલ જેવી !!
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના રોડ રસ્તાની હાલતની વાત કરતાં જ તમને રોડ પરના ખાડા યાદ આવી જતાં હશે.શહેરના અનેક રોડની હાલત એટલી ભંગાર બની ગઈ છે.કે,લોકોને ત્યાંથી વાહન લઇને પસાર થવાનું મન પણ થતું નથી પરંતુ ન છૂટકે તેમણે આ રોડનો ઉપયોગ કરીને પોતાના વાહનોની પથારી ફેરવવી પડે છે.ત્યારે આવી જ હાલત નાના મવા મેઇન રોડની બની છે.અહીનો માર્ગ વરસાદ આવતાની સાથે જ ધોવાઈ ગયો હતો.અને તંત્રે પોતાનો મગજ હલાવી રોડ બનાવવા બદલે અહી માત્ર ડામરની રેતી પાથરી દીધી જેનું પણ બે દિવસમાં ધોવાણ થઈ ગયું હતું.
મનપાના પાપે સામાન્ય વરસાદમાં પણ સ્માર્ટ સિટી એવા રાજકોટના રસ્તાઓની હાલત બિસ્માર થઇ જાય છે. ડામરમાં કામણ કરનારાઓના પ્રતાપે હાલ શહેરનો એકપણ રોડ એવો નથી કે જ્યાં મહાકાય ખાડાઓનો સામ્રાજ્ય જોવા મળતું ન હોય જો વાહનચાલક થોડી પણ બેદરકારી દાખવે તો તેને સિધું જ હાડાકાંના ડોક્ટર પાસે જવું પડે તેવી સ્થિતિ હાલ રાજમાર્ગોની થઇ જવા પામી છે. ફૂલપ્રૂફ ગેરેન્ટીવાળા રોડની હાલત પણ ચાઇનાના માલ જેવી થવા પામી છે. દર વર્ષે રસ્તા મરામત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ શહેરીજનોના ભાગે માત્ર ચોમાસાની સિઝનમાં બદતર રસ્તા સિવાય વિશેષ કશું જ નશીબમાં આવતું નથી.
આવી જ હાલત નાના મવા પાસે આવેલી ગગનચૂંબી ઇમારત પાસેના ચોકની બની છે.આ રોડ પર એટલી હદે મોટા ખાડા પડી ગયા હતા કે, અહી વરસાદમાં જ રિપેરિંગ કામ કરવું જરૂરી બન્યું હતું.એટલે મનપાના અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કરી અહી રોડ અને લોકોની આંખોમાં ધુળ પાથરી દીધી હતી. જે એક વરસાદમાં જ ધોવાઈ ગઈ હતી. અને ઉપરથી ખાડાઓ ઊંડા થયા હતા.જેથી આ રોડની મરામત વહેલી તકે કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.
વોર્ડ વાઇઝ જઈ લોકોની ફરિયાદો જાણી પણ આંખે દેખાતી ફરિયાદો હલ જ ન કરી
એક તરફ રાજકોટ સ્માર્ટ સિટી બની ચુક્યું છે. બીજી તરફ બિસ્માર રસ્તાઓ જાણે રંગીલા રાજકોટની આબરૂંનું ચીરહરણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના શાસકો લોક દરબાર યોજી વોર્ડ વાઇઝ લોકો પાસે જઇ ફરિયાદો જાણી રહ્યા છે. પરંતુ આંખોની સામે દેખાતી ફરિયાદો હલ કરવામાં શાસકોને રસ ન હોય તેવું લાગે છે. અને આ રોડ રસ્તા જોઈને મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.