- અટીકા રોડ પર ત્રિશુલ ચોકનો બનાવ : ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં અટીકા મેઇન રોડ પર ત્રિશુલ ચોકમાં પોલીસ અરજી કર્યાનો ખાર રાખી એક શખ્સે કારખાનેદાર અને તેના મિત્ર પર છરીથી હુમલો કરતાં તેઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે દાખલ કરવા પડયા હતાં.અને આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ કોઠારીયા રોડ નંદા હોલની પાછળ ભારતીનગર-૧/૫ના ખુણે રહેતાં અને કારખાનુ ચલાવતાં ચેતનભાઈ કાંતિભાઇ રાઠોડ (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે રવિ ઉફ ભગત ચાવડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.ચેતનભાઇ રાઠોડે જણાવ્યું છે કે,રવિવારે પોતે અટીકા મેઇન રોડ ત્રિશુલ ચોક પાસે મોમાઇ ડિલક્સ પાન નામની દુકાને ગયા હતાં ત્યારે રવિ ઉર્ફ ભગત ચાવડીયા આવી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ વખતે ત્યાં ચેતનભાઈના મિત્ર જગદીશભાઇ કુગશીયા પણ ઉભા હતાં.ઝઘડો કરી રવિ ઉર્ફે ભગત બાઇક પર બેસી નીકળી ગયો હતો. થોડીવાર બાદ ફરીથી બાઇક પર આવ્યો હતો અને નેફામાથી છરી કાઢી હુમલો કરતાં જગદીશભાઇ કુગશીયા વચ્ચે પડતાં તેને પેટમાં ઘા મારી દેતાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ ચેતનભાઇને પણ ડાબા પડખામાં છરીનો એક ઘા મારી દીધો હતો.અગાઉ ચેતનભાઈના મિત્ર દિવ્યેશભાઇ સિતાપરા સાથે રવિને ઝઘડો થયો હોય જે તે વખતે રવિ વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. તેનો ખાર રાખી રવિએ હુમલો કરી છરી ઝીંકી દીધી હતી.જ્યારે આ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા હતાં. ભક્તિનગર પોલીસના પીએસઆઇ પી. જી. રોહડીયા, દિવ્યરાજસિંહ સહિતે ગુનો નોંધી રવિની શોધખોળ કરી છે.