- રાજકોટમાં બુટલેગરને સપ્લાય કરે તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે દબોચી રૂ.3.31 લાખનો મુદામાલ કબજે કર્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
તહેવારો નજીક આવતાની સાથે જ રાજકોટમાં બુટલેગરો પ્યાસીઓ દારૂની રેલમછેલમાં કરવા માટે મોટી માત્રામાં દારૂનો જથ્થો મંગવવામાં આવી રહ્યો છે. ત્યારે કુવાડવા પાસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂની 276 બોટલો સાથે ચુડાના શખ્સેને પકડી પાડ્યો છે.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.જે.હુણ અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જી.જે.05સીએલ 8501 નંબરની સ્વીફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને અટકાવી હતી. કારની અંદર સીટમાં તેમજ ડેકીમાં છૂપાવેલી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 276 બોટલ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે 1.26 લાખનો દારૂ તથા 2 લાખની કાર મળી રૂા.3.31 લાખનો મુદ્દામાલ કબજે કરી કારના ચાલક સુરેન્દ્રનગરના ચુડા ગામના મનદિપસિંહ ઉર્ફે સહદેવસિંહ દિગ્વીજસિંહ ઝાલાને ઝડપી લીધો હતો. અને તેની પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો લીંબડીથી કટીંગ કરીને લાવવામાં આવ્યો હતો. અને રાજકોટના બૂટલેગરને સપ્લાય કરવાનો હતો. તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.