- ગઈકાલે સાંજથી સર્વર ઠપ્પ થતા ગરીબ રેશનકાર્ડ ધારકો ખાંડ-તેલ વગરના
રાજકોટ : જન્માષ્ટમીનાં તહેવાર સમયે જ પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ થઇ જતા રાહતદરનાં ખાંડ-તેલ અને અનાજનું વિતરણ ખોરવાઈ જતા સસ્તા અનાજના વેપારીઓ અને ગરીબ લાભાર્થી રેશનકાર્ડ ધારકોમાં દેકારો બોલી ગયો છે. બીજીતરફ પુરવઠા વિભાગનાં સર્વરના ધાંધિયાથી કંટાળેલા પરવાનેદારો રાજકોટ પુરવઠા અધિકારી પાસે દોડી જઈ ઉગ્ર રજુઆતો કરી હતી.
રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ ધરાવતા ગરીબ લાભાર્થીઓને દર માસે સસ્તા અનાજની દુકાન ખાતેથી ઓનલાઇન બાયોમેટ્રિક ડિવાઇસથી ફિંગર પ્રિન્ટ દ્વારા ઓળખ પ્રસ્થાપિત કરીને ત્યારબાદ અનાજ આપવામાં આવે છે કેન્દ્ર સરકારના યુઆઇડીએના સર્વર પર આ ફિંગર પ્રિન્ટ નું વેરીફિકેશન થાય છે ત્યારે લગભગ દર માસે વિતરણના સમયે સર્વર સતત ડાઉન ચાલતું હોય મુશ્કેલી પડી રહી છે.
બીજી તરફ હાલમાં જન્માષ્ટમીના તહેવારને પગલે ગરીબ રેશનકાર્ડ ધારકોને તેલ તથા ખાંડ જેવી વધારાની જણસી નું પણ વિતરણ ચાલુ છે તેવા સમયે જ સર્વર સતત ડાઉન રહેવાની સાથે ગઈકાલ સાંજથી સર્વર ઠપ્પ થઇ જતા તેલ-ખાંડનું વિતરણ થવામાં વિક્ષેપ આવતા સસ્તાં અનાજની દુકાન ખાતે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે ખૂબ જ ઘર્ષણ થઈ રહ્યું છે આવામાં વેપારી ભાઈઓએ વિતરણ કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું હોય તાકીદે સર્વરની સમસ્યા ઉકેલવા માંગ કરી હતી.