વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા સ્પા અને મસાજ પાર્લરમાં એસઓજીની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં સ્પામાં નોકરી કરતી પરપ્રાંતિય યુવતીઓનું નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરનાર છ સ્પા સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
શહેર વિસ્તારમાં આવેલા સ્પા અને મસાજ પાર્લરમાં નસીલા દ્રવ્યોનું સેવન તેમજ દેહ વ્યાપાર સહિતની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય જેને લઈને પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સુચનાથી એસઓજીના પીઆઈ જે.એમ.કૈલા અને તેમની ટીમે અલગ અલગ સ્પામાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતું. ચેકીંગમાં જે સ્પા સંચાલકોએ તેમને ત્યાં નોકરી કરતી યુવતીઓની માહિતી નજીકના પોલીસમાં ન નોંધાવતા તેની સામે કાર્યવાહી કરી છે. જેમાં રામાપીર ચોકડી પાસે રહેતા એન.વાય.એકસ સ્પાના સંચાલક કૌશિક રમણીક વાઘેલા, પી.ડી.એમ.ફાટક પાસે રહેતા ઓરી વેલ્નેસ સ્પાના સંચાલક યશ મહેશ ધ્રાંગધરીયા, એરપોર્ટ રોડ પર રહેતા ગંગા સ્પાના આદિત્ય જગદીશ કાલરીયા,ગુજરી બજાર મેઈન રોડ પર રહેતા ધ વેલકમ વેલનેસ સ્પાના સંચાલક વિશાલ નરેન્દ્ર મહેતા, પુજારા પ્લોટમાં રહેતા સેવન ડે સ્પાના માલિક ગંગારામ રાજુભાઈ ઠાકુર અને રૈયાધાર સ્લમ કવાર્ટર પાછળ રહેતા અને ટ્રુ વેલનેસ સ્પાના સંચાલક રમેશ વિહા કોહલા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.