રાજકોટ રૂરલના પોલીસ કોન્સ્ટેબલે રાજકીય ક્ષેત્રમાં જોડાવા નોકરીમાંથી આપ્યું રાજીનામું! 6 વર્ષ નોકરી કર્યા બાદ SPને સંબોધી લખ્યો પત્ર
રાજકોટ રૂરલમાં આટકોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ કોન્સ્ટેબલ સાગર હંસરાજભાઈ ઝાપડિયાએ ફરજમાંથી મુક્ત કરવા માટે જિલ્લા પોલીસ વડાને લેખિત પત્ર પાઠવ્યો છે. સમાજ સેવા તથા રાજકીય ક્ષેત્રમાં આગળ વધવા માગતો હોવાથી સ્વેચ્છાએ પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ફરજ મુક્ત, રિલીવ કરવા પત્રમાં માગણી કરી છે.

રાજકોટ રૂરલમાં ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયા (ઉ.વ.31) છ વર્ષ પૂર્વે 24-12-2019માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં અનાર્મ લોકરક્ષક તરીકે ભરતી થયા હતા. વર્તમાનમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં એટેચમાં ફરજ બજાવે છે. તેણે પોલીસની નોકરીમાંથી ફરજ મુક્ત થવા માટે એસપીને પાઠવેલો પત્ર વાઈરલ થયો છે.
રાજીનામા સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડિયાએ જણાવ્યું હતું કે, નાનપણથી જ તેને સમાજ સેવા, નાના માણસોને મદદરૂપ થવાની ભાવના હતી. એ ભાવના સાથે પોલીસની નોકરી પસંદ કરી હતી. સરકારી નોકરીને લઈને સમાજસેવા કે કોઈને મદદરૂપ થવું હોય તો કેટલાક બંધનો કે મર્યાદા હોવાથી રાજીનામું આપ્યું છે. હજુ સુધી મંજૂર થયું નથી પરંતુ હવે પોતે સ્વેચ્છાએ જ નોકરી પર જવા ઈચ્છતા નથી. જસદણના શિવરાજપુરના વતની શૈલેષે કહ્યું કે, પરિવારે છૂટ આપી છે માટે આ નિર્ણય લઈ શક્યો છું. નાના વ્યક્તિઓ, ખેડૂતોને તેમજ યુવાનોને ન્યાય મળે તેમના પ્રશ્નો ઉઠાવી શકાય, મદદ કરી શકાય તેવા ભાવથી નોકરી છોડવી છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટી સાથે જોડાવાની ઈચ્છા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ પોલીસ કોન્સ્ટેબલ હતા અને નોકરી છોડી રાજકીય ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું.
