રાજકોટ : માલિયાસણ પાસે ટ્રક હેઠળ રિક્ષા ચગદાઇ: ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત, ચોટીલા લગ્નપ્રસંગે જતા પરિવારને નડ્યો અકસ્માત
રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર માલિયાસણ ગામ પાસે સાંજના સમયે ઉત્તરપ્રદેશ પાસિંગના ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં રિક્ષામાં બેઠેલા સાતમાંથી છ લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા હતા. જામનગર અને નવાગામનો પરિવાર ચોટીલા લગ્નપ્રસંગ માટે જઈ રહ્યો હતો ત્યારે કૂવાડવા હાઈ-વે પર ચાંદની હોટેલ પાસે તેમને આ અકસ્માત નડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રોંગ સાઈડમાં ધસી આવેલા ટ્રકના ચાલકથી બ્રેક જ ન લાગતાં રિક્ષા આખી ટ્રક નીચે આવીને ચગદાઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઈ-વે ઉપર ટ્રાફિકજામ થઈ જતાં પોલીસે દોડી જઈ રસ્તો ક્લિયર કરાવવા માટે ખાસ્સી જહેમત ઉઠાવવી પડી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે નવાગામમાં રહેતા શારદાબેન જીણાભાઈ નકુમ (ઉ.વ.૬૦), યુવરાજ રાજુભાઈ નકુમ (ઉ.વ.૩૦, રહે.જામનગર), વેદાંશી સાગરભાઈ સોલંકી (આઠ મહિના), નંદની સાગરભાઈ સોલંકી (ઉ.વ.૨૦, રહે.નવાગામ), ભૂમિ રાજુભાઈ નકુમ (ઉ.વ.૨૨, રહે.જામનગર), શિતલબેન યુવરાજભાઈ નકુમ (રહે.જામનગર) તેમજ ઘાયલ થયેલા આનંદ વિક્રમ સોલંકી (રહે.નવાગામ) રિક્ષામાં બેસી ચોટીલા ખાતે આનંદના મામા શંભુભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રિક્ષામાં જઈ રહ્યા હતા.

રિક્ષા યુવરાજ નકુમ ચલાવી રહ્યો હતો. બપોરે ૪:૪૫ વાગ્યે બધા નવાગામથી ચોટીલા જવા રીક્ષામાં નીકળીને ચાંદની હોટેલ પાસે પહોંચ્યા ત્યારે રોંગ સાઈડમાં ધસી આવેલા ઉત્તરપ્રદેશ પાસિંગના ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હોય યુવરાજ કશું સમજે તે પહેલાં જ ટ્રક રિક્ષા ઉપર ચડી ગયો હતો જેના કારણે રિક્ષામાં બેઠેલા સાતમાંથી છ લોકો મૃત્યુ પામ્યા હતા તો ઘાયલ આનંદ સોલંકીને ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ૧૦૮નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે ટ્રક નીચે રિક્ષા અત્યંત ખરાબ રીતે ફસાયેલી હોવાને કારણે મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. ઘટનાને પગલે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આઠ મહિનાની બાળકીની અકાળે વિદાય…
અત્યંત કરુણ અકસ્માતે એક આઠ મહિનાની વેદાંશી સાગરભાઈ સોલંકી નામની બાળકીનો પણ ભોગ લીધો હતો. આ બાળકી હજુ દુનિયા જુએ તે પહેલાં જ તેની આંખો કાયમ માટે બંધ થઈ જતાં પથ્થરદિલ માનવીનું હૃદય પણ પીગળી ગયું હતું. જ્યારે મૃતકોમાં સામેલ અન્ય લોકોની ઉંમર પણ અત્યંત નાની હોવાનું જાણવા મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોનું હૈયુ ફાટી જાય તેવું રુદન
માલિયાસણ પાસે અકસ્માત થયો હોવાની જાણ થતાં જ હતભાગીના પરિવારજનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને જેવો ૧૦૮ મારફતે મૃતદેહ હોસ્પિટલે પહોંચ્યો કે તેને જોઈને હૈયુ ફાટી જાય તેવું રુદન કરવા લાગ્યા હતા. એક સાથે છ-છ મૃતદેહ હોસ્પિટલે આવતાં ત્યાં હાજર લોકો પણ ગભરાઈ ગયા હતા.
બાળકી-પત્નીના મોતની જાણ થતાં જ સાગર સોલંકી બેભાન થઈ ગયો
અકસ્માત થયો ત્યારે આઠ મહિનાની બાળકી વેદાંશી અને ૨૦ વર્ષીય નંદનીનો પતિ રિક્ષામાં બેઠો ન્હોતો. જો કે બાળકી અને પત્નીના મોતની વાત સાંભળીને જ સાગર સોલંકી બેભાન થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.