રાજકોટવાસીઓને જન્મ-મરણના પ્રથમ 5 દાખલાની નકલ ફ્રીમાં મળશે, છઠ્ઠી નકલથી ભરવા પડશે આટલા રૂપિયા, જાણો શું છે આ યોજના
- જન્મ-મરણના પ્રથમ પાંચ દાખલા મફત આપવાનું શરૂ; છઠ્ઠાથી 50નો ચાંદલો
- 30 દિવસમાં નોંધણી કરાવી પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે મેળવી શકાશે
- જ્યાં બાળક જન્મ્યું હોય તે ઝોન કચેરીએ રૂબરૂ જઈ માતા-પિતાએ ફોર્મ ભરવું પડશે સાથે સાથે બન્નેના આધારકાર્ડ આપવા પડશે
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાયેલા બજેટની વધુ એક યોજનાનો અમલ શરૂ કરાવવામાં આવ્યો હતો. હવેથી જન્મ-મરણના પ્રથમ પાંચ દાખલા મફત આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધી પ્રત્યેક નકલદીઠ પાંચ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો હતો. જો કે પાંચ નકલ સિવાય કોઈને વધુ નકલ મેળવવી હશે તો પ્રતિ નકલદીઠ રૂા.50નો ચાંદલો ફરજિયાત રહેશે !
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે જન્મની નોંધણી થયાના 30 દિવસ દરમિયાન બાળકનું નામ દાખલ કરાવનાર માતા-પિતાને જ નોંધણી કરાવતી સમયે જ જન્મનોંધના પ્રમાણપત્રની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે અપાશે. આ જન્મનોંધ પ્રમાણપત્ર મેળવવા બાળકના માતા-પિતાએ બાળકના જન્મસ્થળને લગત મતલબ કે જ્યાં જન્મ થયો હોય ત્યાં લાગુ પડતી ઝોન કચેરીએ જઈને ફોર્મ ભરવાનું રહેશે. અન્ય ઝોન કચેરી કે વોર્ડ કચેરીએથી જન્મ પ્રમાણપત્ર મળશે નહીં. માતા-પિતાએ આધારકાર્ડની નકલ પણ ફોર્મ સાથે આપવાની રહેશે.
આ જ રીતે ડેથસર્ટિફિકેટની પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે મળી રહેશે. જો કે તેના માટે અવસાન થયાના એક મહિનામાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. ડેથ સર્ટિફિકેટ મેળવવા મૃતકના સગાએ લાગુ ઝોન કચેરીમાં અથવા વોર્ડ ઓફિસ ખાતે રૂબરૂ જઈને ફોર્મ ભરવાનું રહેશે. સર્ટિફિકેટ મેળવવા અરજદારે પોતાના આધારકાર્ડ તેમજ મૃતકના આધારકાર્ડની નકલ ફોર્મ સાથે આપવી પડશે.
એકંદરે પ્રથમ પાંચ નકલ વિનામૂલ્યે મળશે. ત્યારબાદ દરેક નકલદીઠ રૂા.50નો ચાર્જ વસૂલવામાં આવશે જે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો.