રાજકોટવાસીઓ મન ભરીને ગેમ્સ રમજો !! 1200 લોકો એકસાથે રમી શકે તેવું સ્પોટર્સ કોમ્પ્લેક્સ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજકોટમાં વિકાસનો વરસાદ કરી દેશે. રાજકોટની વસતી-વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો હોય નળ, ગટરના નેટવર્કનો વ્યાપ વધારવા ઉપરાંત રસ્તાઓ પહોળા કરવા, બ્રિજ બનાવવા સહિતની તાતી જરૂરિયાત હોય તંત્રવાહકો દ્વારા ફુલપ્રુફ પ્લાનિંગ કરીને વિકાસકાર્યોની યાદી તૈયાર કરાયા બાદ આજે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે. આ કાર્યક્રમ કટારિયા ચોકડીએ સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે પરંતુ મુખ્યમંત્રી રાજકોટ આવી રહ્યા હોવાથી પોલીસ, મહાપાલિકા અને રૂડાનું તંત્ર સવારથી જ ખડેપગે રહેશે.
રાજકોટના વોર્ડ નં.૧૨ના મવડી વિસ્તારમાં 11831 ચોરસમીટર એરિયામાં તૈયાર થયેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોટર્સ કોમ્પ્લેક્સ પણ આજે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાશે. આ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં એક સાથે ૧૨૦૦ લોકો અલગ-અલગ રમત બાસ્કેટબોલ, વોલીબોલ, સ્કેટિંગ ઉપરાંત ટેબલ ટેનિસ, બેડમિન્ટન, તીરંદાજી, સ્કવોશ, મહિલા-પુરુષો માટે અલગ-અલગ જીમ, યોગા, શૂટિંગ, ચેસ કેરમ સહિતની રમતનો સમાવેશ થાય છે.
આ કોમ્પલેક્સને કારણે દોઢ લાખ લોકોને ફાયદો થશે તેવો દાવો તંત્ર દ્વારા કરાયો છે. અહીં ઓપન ગ્રાઉન્ડમાં પાર્કિંગ ઉપરાંત ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેટિંગ રિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ટેબલ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, આર્ચરી, સ્કવોશ, પ્લે ગ્રાઉન્ડ તો પ્રથમ માળે મહિલા-પુરુષ માટે અલગ-અલગ જીમ, યોગા, શૂટિંગ રેન્જ, ચેસ કેરમ સહિતની રમતો રમી શકાશે.