રાજકોટની ખાનગી શાળાઓના ‘વેકેશન બેચ’ના નામે ફીના ઉઘરાણા : વેકેશનમા ચાલતી શાળાઓ પર કાર્યવાહી કરવા કોંગ્રેસની રજૂઆત
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10,11 અને 12ના વિદ્યાર્થીઓ માટે વેકેશન જાહેર કર્યું હોવા છતાં સરકારના આદેશની ઉપરવટ જઈ રાજકોટની અનેક શાળાઓમાં “વેક્શન બેચ”ના નામે અભ્યાસક્રમ શરૂ કરી વાલીઓ પાસેથી તગડી ફી વસૂલવાનું શરૂ કરતા કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી વેકેશનમાં શિક્ષણકાર્ય બંધ કરાવવા માંગણી ઉઠાવી હતી. સાથે જ જો શાળાઓ વેકેશન બેચના નામે અભ્યાસ બંધ નહીં કરે તો હલ્લાબોલની ચીમકી ઉચ્ચારતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક અસરથી પરિપત્ર પણ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરતા જણાવ્યું હતુંકે, રાજકોટની શાળાઓમાં શરુ થયેલ વેકેશન બેચની પદ્ધતિને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કોઈ પ્રકારની મંજૂરી નથી ઉપરાંત રાજ્યશિક્ષણ બોર્ડ તરફથી અભ્યાસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી આમ છતાં રાજ્ય સરકારના શિક્ષણવિભાગના નિયમોનો ભંગ કરી ખાનગી શાળાઓ અનધિકૃત રીતે શૈક્ષણિક પ્રવૃત્તિ કરી રહી છે. વધુમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, વેકેશનનો હેતુ માત્ર શૈક્ષણિક વિરામ નહીં પરંતુ બાળકોના મનોવિજ્ઞાનિક અને શારીરિક આરામ માટે પણ હોય છે. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓએ મનોરંજન, કૌશલ્ય વિકાસ, પરિવાર સાથે સમય વિતાવવો અને માનસિક તાજગીને અનુભવવી જોઈએ. પરંતુ સ્કૂલો દ્વારા સમય પહેલા અભ્યાસ શરૂ કરવાથી વિદ્યાર્થીઓ પર અનાવશ્યક બોજ ઊભો થાય છે, જે તેમના સમગ્ર વિકાસ માટે નુકસાનકારક બની શકે છે.
આ સંજોગોમાં વેકેશન દરમિયાન શાળાઓ ચાલુ રાખવી એ રાજ્ય શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા વિરુદ્ધ હોવાનું તેમજ વેકશનમા ફી ના ઉઘરાણા એ વાલીઓ પર આર્થિક દબાણ ઊભું થતું હોય રાજકોટમાં આવા કેસોની તાત્કાલિક તપાસ કરાવી આવી શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની સાથે વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણ ન આવે તેની ખાતરી માટે સ્પષ્ટ દિશાનિર્દેશ જાહેર કરવા માંગણી ઉઠાવતા રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક અસરથી પરિપત્ર કરી આગામી તા.8 જૂન સુધી કોઈપણ જાતની શૈક્ષણિક પ્રવૃત્તિ ન કરવા તમામ શાળાઓને આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.રાજકોટની ખાનગી શાળાઓ “વેકેશન બેચ”ના નામે ફીના ઉઘરાણા