- એડ એજન્સીઓ `રમત’ રમી રહ્યાની સ્ટેન્ડિંગ કમિટીને આશંકા
- કાલાવડ રોડ, રિંગરોડ સહિતની ૩૩ સાઈટ માટે ત્રિ-વાર્ષિક કોન્ટ્રાક્ટ મેળવવા ૯ એજન્સીએ રસ દાખવ્યો તેમાંથી પાંચ ગેરલાયક ઠરી
- ૩૩માંથી ૧૦ સાઈટ માટે કોઈએ રસ ન દાખવ્યો, આઠ માટે ધારણા કરતાં ઓછા ભાવ આવ્યા: હવે સઘન અભ્યાસ કર્યા બાદ લેવાશે નિર્ણય
વોઈસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મસમોટા હોર્ડિંગ બોર્ડ મુકી જાહેરાતો થકી મસમોટી કમાણી કરવા માટે મહાપાલિકા દ્વારા ૩૩ સાઈટ એડ એજન્સીઓને ત્રણ વર્ષ માટે ભાડે આપવામાં આવી રહી છે. જો કે આ વખતે હોર્ડિંગ કોન્ટ્રાક્ટમાં `રિંગ’ કરી મનપાને `ઉલ્લું’ બનાવવાનો ખેલ થઈ રહ્યો હોવાની આશંકા જણાતાં જ સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્તને પેન્ડીંગ રાખી દીધી હતી. એકંદરે એડ એજન્સીઓ કંઈક `રમત’ રમી રહી હોવાનું લાગતાં જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાપાલિકા દ્વારા યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, હરિહર ચોક, રેસકોર્સ રિંગરોડ, જવાહર રોડ, કિસાનપરા ચોક, કાલાવડ રોડ, હોસ્પિટલ ચોક બ્રિજ સહિતની ૩૩ સાઈટ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પછી ૯ એજન્સીએ રસ દાખવ્યો હતો. જો કે તેમાંથી પાંચ એજન્સીએ પૂરતા ડોક્યુમેન્ટ સહિતનું જમા ન કરાવતાં તેને ગેરલાયક ઠેરવાઈ હતી. જ્યારે લાયક ઠરેલી એજન્સીમાં જાઝમીન કંપની, મંત્રા એડ એન્ડ મીડિયા પ્રા.લિ, સાકેત એડવર્ટાઈઝિંગ એન્ડ માર્કેટિંગ અને પરિવાર એડ એન્ડ ક્રિએશનનો સમાવેશ થાય છે.
બીજી બાજુ એક સાથે આઠ સાઈટ માટે ધારણા કરતાં ઓછા ભાવ આવતાં કંઈક રંધાઈ રહ્યાનું લાગ્યું હતું કેમ કે આ એ જ આઠ સાઈટ છે જ્યાં પાછલી વખતે વધુ ભાવ આવ્યા હતા. હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બાબતે સઘન અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ કોન્ટ્રાક્ટ ફાઈનલ કરવા માટે આવનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
૩૮.૧૫ કરોડના વિકાસકાર્યોની ૪૪ દરખાસ્ત મંજૂર
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વિકાસકાર્યોની ૪૪ દરખાસ્તોને મંજૂરીની મ્હોર લગાવી હતી. આ દરખાસ્તોમાં સૌથી વધુ ૧૧.૨૫ કરોડનો ખર્ચે વોર્ડ નં.૧૨માં રામધણથી પુનિતનગર (વાવડી)ના વોંકળામાં ૧૮૦૦.૦૦ મીટર લંબાઈની રિટેઈનિંગ વોલ કરવાનું કામ સામેલ છે.