- રસિકભાઈ ચેવડાવાળા, મધુભાઈ ચેવડાવાળાને ત્યાંથી પેટીસના નમૂના લેવાયા
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે તેમાં ફરાળી પેટીસનો ઉપાડ વધુ રહેતો હોવાથી અનેક નફાખોર ધંધાર્થીઓ દ્વારા ભેળસેળયુક્ત અથવા તો વાસી પેટીસનું વેચાણ કરવાના કારસ્તાન કરવામાં આવી રહ્યા હોય મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવું જ એક ચેકિંગ ગુણાતીત મેઈન રોડ પર તુલસી બાગ સામે આવેલા જલારામ નમકીનમાં કરવામાં આવ્યું હતું જ્યાં અધધ ૧૪૦ કિલો પેટીસનો જથ્થો અત્યંત ગંદી સ્થિતિમાં જોવા મળતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા પંચનાથ પ્લોટ-૧૭માં આવેલા રસિકભાઈ ચેવડાવાળા, પંચનાથ કોમ્પલેક્સ ગ્રાઉન્ડ ફ્લોર પર મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, એસ.કે.ચોક મેઈન રોડ પર રાજશક્તિ ફરસાણ એન્ડ સ્વિટ માર્ટ, પંચનાથ કોમ્પલેક્સ ગ્રાઉન્ડ ફ્લોર પર શોપ નં.૫માં આવેલા જોકર ગાંઠિયા, અટિકા પરમેશ્વર સોસાયટી શેરી નં.૫માં આવેલા નેજાધારી ફૂડઝમાંથી નેજાધારી ફરાળી આટા, નેજાધારી રાજગરા લોટ, પોટેટો સ્ટાર્ચ, પરાબજાર, ગોળપીઠ ચોકમાં સુધીર એન્ડ કંપનીમાંથી હાથી રાજગરા લોટ અને ફરાળી લોટ સહિતના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.