- આરોપીએ સગીરાને ભગાડી અમદાવાદ, જામનગર લઈ જઇ દેહ પિખ્યો ‘તો, ધોરાજી સેશન્સ કોર્ટે એક વર્ષ જેટલા સમય ગાળામાં જ પોતાના નિર્ણય સંભળાવ્યો
રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે રહેતો ૧૩ વર્ષીય સગીરાને તેના પિતાના મિત્રએ જ ભગાડી અમદાવાદ, જામનગરની જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેણીનો દેહ પીખ્યો હતો.ઘટનાના આશરે એક વર્ષ જેટલા સમયગાળા માં જ ધોરાજી સેશન્સ કોર્ટે આરોપી ઇમરાન સિદ્દીકભાઈ સુમરાને ૨૦ વર્ષની સજા ફટકારી હતી.
આ કેસની હકિકત મુજબ, ભોગ બનનારના પિતા અને આરોપી ઈમરા બને મિત્ર હોય અને અગાઉ સાથે મજૂરી કરતા હોય જેથી આરોપી પોતાની રીક્ષામાં સગીરાને શાળાએ તેડવા મુકવા જતો હતો. આ સમયગાળા દરમિયાન ભોગ બનનારને સાથે લઈ અને ઇમરાન ભાગી ગયો હતો.શરૂઆતમાં ઇમરાન પાસે કોઈ ન હોવાથી તેણે પોતાની રીક્ષા જુનાગઢ મુકામે વહેંચી નાખેલ અને પછી ત્યાંથી રાજકોટ થઈ અને જુદા જુદા ગામ થઈ અમદાવાદ રેલવે સ્ટેશન ત્રણ દિવસ રોકાયેલા અને ત્યાંથી જામનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે બંધ દુકાનના ઓટલા ઉપર રહેતા હતા. આ સમયગાળા દરમિયાન આરોપીએ સગીરા સાથે શરીર સંબંધ બાંધેલો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ભોગ બનનારને તેના ચુંગલમાંથી મુક્ત કરાવી હતી.
આ કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે , ફરિયાદી અને આરોપી પરિચિત હોય જેથી ભોગ બનનાર પરિવારે આરોપી પાસેથી પૈસા પડાવવા માટે આ ખોટી ફરિયાદ કરી છે.પોલીસની તપાસ પણ તટસ્થ નથી તેમજ જામનગર એસટી કોર્પોરેશનના સરકારી પંચો પણ હોસ્ટેઈલ થઈ ગયા છે. સરકાર તરફે સ્પે પી.પી કાર્તિકેય પારેખ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ,ભોગ બનનારની ઉમર માત્ર 13 વર્ષની છે તેને પ્રેમ એટલે શું તેની પણ પૂરી સમજ ન હોય આરોપી ૩૧ વર્ષનો હોય જેથી તેણે આભાસી સબંધો ઉભા કરીને દુષ્કર્મ ગુજાર્યું હતું.બંને પક્ષોની વિગતવાર દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં લઈને ધોરાજી સેશન્સ કોર્ટે આરોપી ઇમરાન સુમરાને પૉક્સો દુષ્કર્મના કેસમાં ૨૦ વર્ષની સજા ફટકારી હતી.