પત્નીના પરપુરુષ સાથે આડસબંધ હોવાની શંકાએ પથ્થરોના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું : પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી
વોઇસ ઓફ ડે રાજકોટ
શાપર ફરી એક વાર રક્તરંજીત થયું છે. જેમાં પત્નીના પરપુરુષ સાથેના આડ સબંધ હોવાની શંકાએ પતિએ પથ્થરોના ઘા ઝીંકી તેણીનું ઢીમ ઢાળી દીધું હતું. અને તેની લાશને થાંભલા પર લટકાવી દીધી હતી. જે મામલે શાપર પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પતિને પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ વંથલીના નવાગામે રહેતા મધુબેન મનોજભાઈ ગોપાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં મેંદરડાના ઝીંઝુડા ગામે રહેતા મયુર ગિરધર સિરવાડિયાનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓને સંતાનમાં બે દીકરી છે. જેમાં એકનું નામ જાગૃતિ અને કિરણ છે. કિરણ માનસિક બીમાર હોવાથી તેમની સાથે રહે છે. અને જાગૃતિએ ચાર વર્ષ પૂર્વે આરોપી મયુર સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા. અને તેઓ લગ્ન કરી પ્રથમ મેંદરડા અને ત્યાર બાદ શાપર રહેવા આવી ગયા હતા. અને શાપરમાં રહી મજૂરી કામ કરતાં હતા. પતિ મયુર અવારનવાર જાગૃતિ સાથે તેણીના અન્ય પુરુષ સાથે આડસબંધ છે. તેમ કહી ઝગડો કરતો હોવાથી આ બાબતની વાત તેણીના માતાને પણ કરી હતી.જ્યારે શનિવાર રાત્રિના મયુર અને જાગૃતિ વચ્ચે આ મુદે ઝગડો થતાં માયુરે ઉશ્કેરાઈ જાગૃતિના માથામાં પથ્થરો મારી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. અને તેની લાશને થાંભલે લટકાવી દીધી હતી.જ્યારે આ મામલે શાપર પોલીસના પીઆઇ આર.કે.ગોહિલ અને તેમની ટીમે ગણતરીની કલાકોમાં હત્યારા પતિની ધરપકડ કરી હતી.