રાજકોટમાં માથાદીઠ 209 લિટર જયારે અમદાવાદમાં ૨૦૦ લિટર : અમદાવાદમાં ૮૦ લાખ અને સુરતમાં ૮૨ લાખ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોટા મોટા શહેરોમાં લોકોને આપવામાં આવતા પાણી અંગેના રસપ્રદ આંકડા બહાર પાડ્યા છે. આ આંકડા પ્રમાણે અમદાવાદ કરતા સુરતમાં વધુ લોકોને પાણી આપવામાં આવે છે તો બીજી બાજુ રાજકોટમાં અમદાવાદ કરતા માથાદીઠ પાણી વધુ આપવામાં આવે છે.
શહેરી વિકાસ વિભાગે વોટર સપ્લાયના આંકડા બહાર પાડ્યા તે આશ્ચર્યજનક છે. અમદાવાદનો એરિયા 480 ચોરસ કિલોમીટર છે જ્યારે સુરતનો વિસ્તાર 462 ચોરસ કિમી છે. એટલે કે એરિયામાં અમદાવાદ આગળ છે. પરંતુ વોટર સપ્લાયમાં અમદાવાદ કરતા સુરત આગળ નીકળી ગયું છે અમદાવાદના 80 લાખની સામે સુરતમાં 82 લાખ લોકોને પાણી પહોંચાડવામાં આવે છે.
અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું શહેર છે અને વિસ્તાર કે વસતીની દૃષ્ટિએ ગુજરાતમાં અમદાવાદની તોલે આવે એવું કોઈ શહેર નથી. છતાં લેટેસ્ટ સરકારી આંકડા કંઈક અલગ જ ચિત્ર દેખાડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડેટા એવું દેખાડે છે કે અમદાવાદ કરતા સુરતની વસતી વધી ગઈ છે. કોર્પોરેશનના આંકડા પ્રમાણે સુરતમાં 82 લાખ લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે જ્યારે અમદાવાદમાં 80 લાખ લોકોને પીવાના પાણીનો સપ્લાય કરવામાં આવે છે. અમદાવાદ કરતા સુરતમાં વધુ લોકોને પીવાનું પાણી પહોંચતું હોય તો શું તેનો અર્થ એવો થાય છે કે સુરતની વસતી અમદાવાદ કરતા વધી ગઈ છે?
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટના એક એન્જિનિયરે જણાવ્યું કે સુરતમાં માઈગ્રન્ટની વસતી બહુ વધારે છે અને તે બહુ ગીચ વિસ્તારમાં રહે છે. તેથી મ્યુનિસિપલ એરિયામાં સુવિધા મેળવનારા લોકોની સંખ્યા અમદાવાદ કરતા પણ સુરતમાં વધારે છે. મ્યુનિસિપલ લિમિટમાં કેટલા લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે તેના આધારે વસતીનો અંદાજ નીકળે છે.
2011ની વસતી ગણતરી પ્રમાણે અમદાવાદની વસતી 55.77 લાખ હતી જ્યારે સુરતની વસતી 44.66 લાખ હતી. વસતી ગણતરી દર વીસ વર્ષે કરવામાં આવે છે અને ચાલુ વર્ષમાં એટલે કે 2024માં નવી વસતી ગણતરી થવાની શક્યતા છે.
ગુજરાતમાં નાના મોટા શહેરો વચ્ચે માથાદીઠ પાણીના વપરાશમાં પણ મોટો તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે વડોદરાનો એરિયા 220 ચોરસ કિમી છે, એટલે કે સુરતના એરિયા કરતા અડધા કરતા પણ ઓછો એરિયા છે. છતાં માથાદીઠ પાણીના વપરાશમાં તે આગળ છે. વડોદરામાં માથાદીઠ 237 લિટર પાણી દરરોજ વપરાય છે. ભાવનગરમાં પાણીનો માથાદીઠ વપરાશ દૈનિક 213 લીટર છે. જ્યારે જુનાગઢમાં માથાદીઠ માત્ર 57 લિટર પ્રતિ દિન પાણી વપરાય છે. અમદાવાદમાં દરરોજ 1500 મિલિયન લિટર પાણી સપ્લાય થાય છે અને તેના કારણે કુલ માથાદીઠ દૈનિક વપરાશ 200 લિટર થઈ જાય છે. સુરતને દૈનિક 1500 મિલિયન લિટર પાણીની જરૂર પડે છે પરંતુ આ પાણી નર્મદાના બદલે તાપીમાંથી સપ્લાય કરવામાં આવે છે.
અમદાવાદ પાણી પૂરવઠા માટે સંપૂર્ણપણે નર્મદા પર આધારિત છે જ્યારે ગુજરાતના બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એવું નથી. દાખલા તરીકે વડોદરાને જે પાણી સપ્લાય થાય છે તેમાંથી માત્ર 11 ટકા પાણી નર્મદામાંથી મળે છે. રાજકોટ શહેર 36 ટકા પાણી માટે નર્મદા પર આધારિત છે છતાં માથાદીઠ પાણી પૂરવઠામાં અમદાવાદ કરતા રાજકોટ આગળ છે. રાજકોટમાં માથાદીઠ 209 લિટર પાણી સપ્લાય કરવામાં આવે છે.
ભાવનગરમાં 10 મિલિયન લિટર પાણીની ઘટ પડે છે અને છતાં વ્યક્તિદીઠ દરરોજ 190 લિટર પાણી સપ્લાય કરવામાં આવે છે તેવું સરકારી આંકડા દર્શાવે છે. ભાવનગર પોતાના પીવાના પાણીની જરૂરિયાતમ માટે 45 ટકા નર્મદા પર આધારિત છે.