વેસ્ટ ઝોનને ૧૨૦, સેન્ટ્રલ ઝોનને ૮૦ અને ઈસ્ટ ઝોનનું ૧૦૦ કરોડનું બજેટ
પાંચ વર્ષ સુધી કોન્ટ્રાક્ટર એજન્સીની જવાબદારી છતાં તે કરે છે ઠાગાઠૈયા
ટેલિફોન-ગેસ સહિતની લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પાછળ પણ થાય છે મબલખ ખર્ચ
વોઈસ ઓફ ડે, રાજકોટ
રાજકોટમાં ટ્રાફિક બાદ બીજી સૌથી મોટી સમસ્યા ખાડાયુક્ત રસ્તાની છે. દર વર્ષે રાજકોટમાં વરસાદ સહિતના કારણોસર રસ્તા પર ખાડા પડ્યે રાખે છે અને મહાપાલિકા તેના પાછળ કરોડો રૂપિયાનું આંધણ કર્યે રાખે છે. જાણવા મળ્યા પ્રમાણે ૨૦૨૨થી ૨૦૨૪ સુધીમાં મહાપાલિકાને ત્રણેય ઝોનના મળી ૩૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી મળવા પામી છે અને તેમાંથી મહત્તમ રકમ વપરાઈ પણ ગઈ છે આમ છતાં રાજકોટને ખાડામાંથી મુક્તિ મળી રહી નથી જે વાત આશ્ચર્યજનક છે. આ પ્રમાણે વેસ્ટ ઝોનને ૧૨૦ કરોડ, સેન્ટ્રલ ઝોનને ૮૦ કરોડ અને ઈસ્ટ ઝોનનું ૧૦૦ કરોડનું રસ્તા કામનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે. જો કે ત્રણેય ઝોનમાં ટનાટન રોડ-રસ્તા હોય તેવો કોઈ પણ વિસ્તાર મળી જાય તો નવાઈ પામવા જેવું જ રહેશે.
મહાપાલિકા જ્યારે રોડ-રસ્તા માટે કોઈ એજન્સીને કામ આપે છે ત્યારે પાંચ વર્ષ સુધી એ રોડમાં કોઈ પણ પ્રકારની નુકસાની થાય તો તેના રિપેરિંગની જવાબદારી જે તે એજન્સીની જ હોય છે પરંતુ તેના દ્વારા પણ અમુક અંશે ઠાગાઠૈયા કરવામાં આવતા હોવાને કારણે લોકોને હાડપીંજર જેવા રસ્તા પરથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે. મહાપાલિકા દ્વારા માત્રને માત્ર ટેલિફોન, ગેસ સહિતની લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પડે તો જ તેના રિપેરિંગની જવાબદારી ઉઠાવવાની હોય છે બાકીની તમામ જવાબદારી એજન્સીની રહે છે. જો કે રસ્તા ખોદ્યા બાદ તેને ઠીક કરવા પાછળ પણ મબલખ ખર્ચ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ત્રણેય ઝોનના સિટી ઈજનેરે શું કહ્યું ?
`વોઈસ ઓફ ડે’ દ્વારા સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે એક વર્ષમાં રસ્તા રિપેરિંગ કામ પાછળ ૧૨થી ૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે જેમાં પેચવર્ક સહિતનું કામ ઉપરાંત લાઈન નાખવા માટે રસ્તા ખોદવા પડ્યા હોય તે સહિતનું કામ સામેલ છે. આ જ રીતે વેસ્ટ ઝોનના ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે એક વર્ષ માટે આ ઝોનને ૩૦ કરોડની સ્વર્ણિમ ગ્રાન્ટ ઉપરાંત ૧૦ કરોડ એક્શન પ્લાનના સ્વરૂપમાં ગ્રાન્ટ મળી છે જેનો તબક્કાવાર વપરાશ થઈ રહ્યો છે. ઈસ્ટ ઝોનના ઈજનેર પરેશ અઢીયાએ જણાવ્યું કે ૨૦૨૨થી પછી રોડ-રસ્તા માટેની ગ્રાન્ટમાં વધારો થયો છે. આ ઉપરાંત ૫૦ વર્ષ સુધી વગર વ્યાજની ૧૦૦ કરોડની લોન પણ મળી છે. આ પેટે વેસ્ટ ઝોનને બે વર્ષ દરમિયાન ૧૨૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળવા પામી છે.
રસ્તા તૂટવા પાછળનું કારણ શું ?
ઈજનેરોનો સ્પષ્ટ મત રહેવા પામ્યો કે રોડ-રસ્તા બનાવવા અથવા રિપેરિંગ માટે ડામરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે પાણીનું દુશ્મન છે ! અત્યારે વરસાદની સીઝન છે એટલા માટે રોડ-રસ્તા પર વધુ સમય સુધી પાણી ભરાયેલું રહે અને ત્યારબાદ તેના ઉપરથી ભારે વાહન અથવા તો નાનું વાહન સ્પીડમાં પસાર થાય એટલે ડામર છૂટો પડવા લાગે છે. મહાપાલિકા પાસે વરસાદી પાણીના નિકાલની સજ્જડ વ્યવસ્થા ન હોવાને કારણે લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે. આ જ કારણથી રસ્તાને નુકસાન થઈ રહ્યું છે.
રિંગરોડ સહિતના રસ્તે થર્મોપ્લાસ્ટથી રસ્તા બનાવવાની વાત હવામાં જ રહી !
મહાપાલિકા દ્વારા મોટા ઉપાડે એવી જાહેરાત કરવામાં આવી હતી કે રેસકોર્સ રિંગરોડ સહિતના રસ્તે થર્મોપ્લાસ્ટનો ઉપયોગ કરીને રસ્તા બનાવવામાં આવશે જેથી ક્યાંય પણ વરસાદી પાણી ભરાયેલું રહેશે નહીં. આ માટે રસ્તાઓનો સર્વે પણ કરવામાં આવ્યો હતો પરંતુ હાલ આ બધી જ વાત કાગળ ઉપર રહેવા પામી છે !