- નવરાત્રિને ધ્યાનમાં રાખી ૨૦૦થી વધુ હોટેલ-ગેસ્ટ હાઉસ-કપલ બોક્સ-કાફેમાં સઘન ચેકિંગ: કશું વાંધાજનક ન મળ્યું: દરરોજ ૧૦ ટીમ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે
આવતીકાલથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે તેમાં કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ આકાર ન લઈ જાય અને લોકો શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવારને માણી શકે તે માટે પોલીસ દ્વારા ઝીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નવરાત્રિ દરમિયાન ૧૫૦૦થી વધુ પોલીસ બંદોબસ્ત જાળવશે સાથે સાથે એસઓજી, ડીસીબી-પીસીબી સહિતની મહત્ત્વની બ્રાન્ચો દ્વારા પણ ગેસ્ટ હાઉસથી લઈને મોટી હોટેલોમાં ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી તેમજ ડીસીબીની અલગ-અલગ ૧૦ ટીમ બનાવવામાં આવી હતી અને આ ટીમ દ્વારા નાના ગેસ્ટ હાઉસથી લઈ શહેરની પ્રતિષ્ઠિત હોટેલોમાં રહેનારા લોકોનું લિસ્ટ, ક્યારથી આવ્યા છે, ક્યારે જવાના છે, પૂરતા પૂરાવા રજૂ કરવામાં આવ્યા છે કે કેમ તે સહિતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ રીતે સવારથી લઈ સાંજ સુધીમાં ૨૦૦ જેટલા ગેસ્ટ હાઉસ-હોટેલો ઉપરાંત કપલ બોક્સ, કાફેમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જો કે કશું વાંધાજનક મળ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આ પ્રકારનું ચેકિંગ માત્ર એક દિવસ જ નહીં બલ્કે દરરોજ ચાલનાર હોવાનું અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું ત્યારે એક પણ હોટેલ કે ગેસ્ટ હાઉસ અથવા તો કપલ બોક્સ કે કાફેમાં કશું વાંધાજનક મળી આવ્યું તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.