- ઓગસ્ટ માસ પૂર્ણ થવામાં હોવા છતાં કોન્ટ્રાકટરે જુલાઈ માસનો પગાર ન ચુકવાતા ઓપરેટરો મુશ્કેલીમાં
રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ હસ્તક જુદી-જુદી ઝોનલ કચેરી તેમજ તાલુકા મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગની વડી કચેરીમાં ફરજ બજાવતા 32 જેટલા ઓપરેટરોને કોન્ટ્રાકટરે ઓગસ્ટ માસ પૂર્ણ થવામાં હોવા છતાં જુલાઈ માસનો પગાર નહીં ચુકવતા ઓપરેટરોના તહેવારો બગડ્યા છે અને કેટલાકને તો ઘરના ભાડા ભરવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ હસ્તકની જુદી-જુદી ઝોનલ કચેરી, તાલુકા મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગની વડી કચેરીમાં આર.એમ.એજન્સી મારફતે કોમ્પ્યુટર ઓપરેટરો પુરા પાડવામાં આવી રહ્યા છે. પુરવઠા નાયબ મામલતદારના સગા એવા આ કોન્ટ્રાકટર દ્વારા દર મહિને કોમ્પ્યુટર ઓપરેટરોને નિયમિત પગાર ચુકવવાને બદલે મન પડે ત્યારે 10 તારીખ કે ત્યાર બાદ પગાર ચુકવવામાં આવે છે ત્યારે ચાલુ ઓગસ્ટ માસના 23 દિવસ વીતવા ઉપરાંત સાતમ-આઠમના તહેવાર હોવા છતાં જુલાઈ માસનો પગાર ચુકવવામાં આવ્યો ન હોય કોમ્યુટર ઓપરેટરોની હાલત કફોડી બની છે અને ઓપરેટરો ઉછી ઉધારા કરી હાલમાં ગાડું ગબડાવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
