રશિયા અને યુક્રેન સમય ન બગાડે, તુરંત વાતચીત કરે
- યુક્રેનની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝેલેન્સકી સાથેની વાતચીત બાદ આપ્યો શાંતિનો સંદેશો
- ભારત યુક્રેનની પડખે, વિદ્યાર્થીઓની મદદ બદલ આભાર માન્યો
- બંને દેશો વચ્ચે ચાર એમ.ઓ.યુ. સાઈન થયા
યુધ્ધમાં જીવ ગુમાવનારા બાળકોની યાદમાં સ્થાપિત પ્રદર્શન જોઈને મોદી ભાવુક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનની ધરતી ઉપરથી ફરી એક વખત શાંતિનો સંદેશો આપ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથેની મુલાકાત બાદ તેમણે રશિયા અને યુક્રેનને સમય બગડ્યા વગર વાતચીત કરવા અનુરોધ કર્યો હતો . નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોઈ પણ સમસ્યાનો અંત વાતચીત દ્વારા જ આવી શકે છે. તેમણે ઝેલેન્સકીને ભારત તેમની સાથે જ હોવાનું કહ્યું હતું. યુધ્ધ વખતે ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા બદલ નરેન્દ્ર મોદીએ ઝેલેન્સ્કીનો આભાર પણ માન્યો હતો.
નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે થયેલી બેઠકમાં માનવતાવાદી આધાર પર મદદ આપવા,ખોરાક અને કૃષિ,તબીબી અને દવાઓ અને સાંસ્કૃતિક સહયોગ અંગે ચાર MOU પર હસ્તાક્ષર થયા હતા.
ઝેલેન્સકી સાથેની વાતચીત બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું અહી શાંતિનો સંદેશો લઈને આવ્યો છું. કોઈ પણ યુદ્ધનું સમાચન મેદાનમાં ન આવી શકે. આથી સમય બગડ્યા વગર આપણે શાંતિની દિશામાં આગળ વધવું પડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, યુધ્ધની ભયાનકતા દુખી કરે તેવી હોય છે. યુદ્ધ બાળકો માટે વિનાશકારી હોય છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા બાળકોની યાદમાં સ્થાપિત હૃદયસ્પર્શી પ્રદર્શન જોઈને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે આ અંગે શોક વ્યક્ત કર્યો અને મૃત્યુ પામેલા બાળકોના સન્માનમાં તેમને યાદ કરતા એક રમકડું મૂક્યું હતું. . વડાપ્રધાને આશરે સાત કલાક કીવમાં પસાર કર્યા હતા. ઝેલેન્સ્કી સાથેની વાતચીત પહેલા પીએમ મોદીએ કીવમાં ઓએસિસ ઓફ પીસ પાર્કમાં સ્થિત સત્ય અને અહિંસાના પ્રતીક મહાત્મા ગાંધીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
પીએમ મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, બેઠકમાં ભારતે કહ્યું છે કે બંને દેશોએ યુદ્ધવિરામનો ઉકેલ શોધવામાં વ્યસ્ત રહેવું જોઈએ. પીએમ મોદી વચ્ચે લાંબા સમય બાદ આ મુલાકાત થઈ છે. અને ઝેલેન્સકીએ આ મુદ્દે પુતિન સાથેની વાતચીતનો ઉલ્લેખ પણ કર્યો છે.
પોલેન્ડથી લગભગ 10 કલાકની ટ્રેન મુસાફરી બાદ હયાત હોટેલ પહોંચતા ભારતીય સમુદાયના લોકોએ મોદીનું ગરમજોશીથી સ્વાગત કર્યું હતું.
મોદી જ્યાં સુધી રોકાયા ત્યાં સુધી રશિયાનું સીઝફાયર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં સુધી યુક્રેનની રાજધાની કીવમાં રોકાયા ત્યાં સુધી રશિયાએ યુધ્ધ વિરામ જાહેર કર્યો હતો. સુત્રો અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને સેનાને કોઈ પણ પ્રકારનો હુમલો નહી કરવા સુચના આપી હતી. નરેન્દ્ર મોદી પ્રવાસના સમયને બાદ કરતા ૭ કલાક કીવમાં રોકાયા હતા અને ત્યાં સુધી રશિયા શાંત રહ્યું હતું.
ચીનને મરચા લાગ્યા, યુનોએ વખાણ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેન મુલાકાત ઉપર સમગ્ર વિશ્વની નજર છે અને જુદા જુદા પ્રત્યાઘાત આવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં મહામંત્રી એન્ટોનિયો ગુટરેસે નરેન્દ્ર મોદીની મુલાકાત યુધ્ધ રોકવામાં ઉપયોગી સાબિત થશે તેમ જણાવ્યું છે તો બીજી તરફ ચીનનાં અધિકૃત અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ મુલાકાતની ટીકા કરી છે. આ અખબારે કહ્યું છે કે, નરેન્દ્ર મોદી યુક્રેન જઈને પોતાની યોગ ડીપ્લોમસીનો પ્રચાર કરવા માગે છે પણ હવે ભારતમાં એવી તાકાત રહી નથી.