રાજકોટ ડાયમંડ થીફ : 60 લાખના હીરા ચોરનાર અજય સુધી પોલીસ કેવી રીતે પહોંચી, કારખાનાની ‘ટીપ’ કોણે આપી ?
રાજકોટમાં એપ્રિલ મહિનાની 10મી તારીખે કોઠારિયા રિંગરોડ પર પીરવાડીની સામે ધરમનગરમાં આવેલા `ખોડિયાર ડાયમંડ’ નામના હિરાના કારખાનામાંથી 60.83 લાખના 11655 નંગ હિરાની ચોરી થઈ હતી. આ બનાવ બન્યાના 48 દિવસ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક અત્યંત બ્લાઈન્ડ મતલબ કે દિશાવિહિન કેસને ઉકેલી નાખવામાં સફળતા મેળવી ચોરાયેલા તમામ હિરા સાથે ચોરી કરનાર તસ્કરને દબોચી લીધો હતો. આ ચોરીને એટલી શાતીરતાથી અંજામ આપવામાં આવ્યો હતો કે જે જોઈ-સાંભળીને પોલીસ પણ વિચારતી થઈ જવા પામી હતી !

આ ચોરી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના રાજનીવાડ ગામે રહેતા અજય જગદીશભાઈ નાયકા (ઉ.વ.34)એ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે અજય સુધી પહોંચવામાં ક્રાઈમ બ્રાન્ચે એડીચોટીનું જોર લગાવવું પડ્યું હતું. સૌથી પહેલાં પોલીસે સીસીટીવીનો સહારો લીધો હતો પરંતુ અજય નાયકા સીસીટીવીને ચકમો આપવામાં એકદમ માહેર હોય જે દિવસે તેણે ચોરી કરી ત્યારબાદ કારખાનાથી થોડે જ દૂર જઈને અઢી કલાક સુધી ઊંઘી ગયો હતો. ઊંઘ મેળવી લીધા બાદ હિરા ભરેલી પોટલી લઈને તે રવાના થયો હતો. જો કે રોડની સાઈડમાંથી ચાલવાથી કેમેરામાં `કેદ’ થઈ જવાય તેવું અજય બરાબર જાણતો હોવાને કારણે તે રોડની વચ્ચોવચ્ચ ચાલતો ગયો હતો અને અહીંથી અલગ-અલગ બસ મારફતે સીધો વાપી અને ત્યાંથી સુરત પહોંચ્યો હતો.

અજયે વાપી અને સુરતમાં હિરા વેચવાનો પ્રયત્ન શરૂ કરતાં અજયને આંશિક સફળતા પણ સાંપડી હતી. એકાદ-બે વેપારીએ આ હિરા ખરીદવા તૈયારી દર્શાવી એક પેકેટના 14,000 રૂપિયા આપવા કહ્યું હતું પરંતુ સાથે સાથે હિરા ક્યાં બન્યા છે, તેનું બિલ સહિતની માંગણી કરતાં અજય મુંઝાયો હતો અને પોતાની દાળ નહીં ગળે તેવું નક્કી થઈ જતાં હિરા લઈને ફરી રાજકોટ આવ્યો હતો અને ગોંડલ ચોકડી બ્રિજ નીચે છુપાવીને પરત ચાલ્યો ગયો હતો. તેણે ચોક્કસ જગ્યાએ એ પ્રકારે હિરા છૂપાવ્યા હતા કે તેના સિવાય બીજા કોઈને મળે જ નહીં ! હિરા છૂપાવીને ફરી તે પોતાના ગામ ચાલ્યો ગયો હતો અને મામલો શાંત પડે એટલે રાજકોટ આવીને હિરા લઈ જવાનું નક્કી કર્યું હતું પરંતુ તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચ અજય નાયકા સુધી પહોંચી ગઈ હતી અને તેને દબોચીને હિરા કબજે કર્યા હતા. એકંદરે અજય નાયકાની હિરા ચોરવાની રીતભાત જોઈ એક સમયે પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જવા પામી હતી.

આખરે અજય સુધી પોલીસ પહોંચી કેવી રીતે, કારખાનાની ‘ટીપ’ કોણે આપી ?
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બ્લાઈન્ડ કેસની તપાસ કરવા માટે અલગ-અલગ ટીમને એક્ટિવ કરવામાં આવી હતી. ખાસ કરીને ડીસીબીની બે ટીમ કે જેણે આ જ ચોરીની તપાસમાં રાત-દિવસ એક કરી નાખ્યા હતા તેણે સૌથી પહેલાં આખા રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાં આવેલા હિરાના કારખાનાના કારીગરોની કુંડળી કાઢવાનું શરૂ કર્યું હતું. આ પછી ચોરી થઈ એ દિવસે કોણ કોણ રજા ઉપર હતું તેની તપાસ શરૂ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી. ત્યારબાદ અગાઉ આવી જ એક ચોરી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં થઈ હતી તેને અંજામ આપનારા તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી. એ ચોરી 2023ના નવમા મહિનામાં થઈ હતી ત્યારે તેમાં સામેલ લોકોની એક બાદ એક પૂછપરછ કરી હતી પરંતુ તેમાંથી પણ કશું નીકળ્યું હતું. જો કે એક નામ સામે આવ્યું હતું જે મળી જાય તો આગળની દિશા મળે તેમ હોય પોલીસે ત્યાં ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આ વ્યક્તિએ દાઢી વધારવા સહિતના અનેક ફેરફાર કરી નાખ્યા હોય અને તે સુરત રહેતો હોય પોલીસે ત્યાં સુધી છેડો લંબાવ્યો હતો. આખરે એ વ્યક્તિ મળી જતાં તેની કલાકો સુધી પૂછપરછ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું હતું. આ વ્યક્તિએ કહ્યું હતું કે તે જ્યારે જેલમાં હતો ત્યારે તેની મુલાકાત હિરા ચોરી કરનાર અજય નાયકા સાથે થઈ હતી અને ત્યારે તેણે `તમે હિરા ચોરી કેવી રીતે કરો છો, તમારા ધ્યાનમાં કોઈ કારખાનું છે કે નહીં’ તે સહિતની વિગતો જાણવા પ્રયાસ કર્યો હતો. ઘણા દિવસ સુધી એકની એક વાત કર્યે રાખતાં આખરે અજય નાયકાને ખોડિયાર ડાયમંડ નામના કારખાનાનું નામ આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સીસીટીવી જડબેસલાક હોય તેનું ધ્યાન રાખવું પડશે તેવું પણ અજયને કહેવાયું હતું. જો કે અજયે `એ બધું મારા ઉપર છોડી દો’ કહીને ચોરી કરવાનું નક્કી કરી લીધું હતું.
ચોરી કરી તેના દસ દિ’ પહેલાં રેકી કરી ગયો, પાંચ દિ’ અગાઉ ડ્રિલથી હોલ પાડી ગયો’તો
તપાસમાં એવો ખુલાસો પણ થવા પામ્યો છે કે અજય નાયકાએ 10 એપ્રિલે ચોરી કરી તેના દસ દિવસ અગાઉ તે કારખાનાની રેકી પણ કરી ગયો હતો. અહીં ચોરી થઈ જશે તેવું લાગતાં જ ચોરીના પાંચ દિવસ અગાઉ એટલે કે 5 એપ્રિલે તે ખાસ ડ્રિલથી હોલ પણ પાડી ગયો હતો !

ડ્રિલ બનાવનારથી લઈ વેચનાર અને ખરીદનારા 152 લોકોની પૂછપરછ
ક્રાઈમ બ્રાન્ચે જે ડ્રિલથી અજય નાયકાએ કારખાનામાં હોલ પાડ્યા હતા તે ડ્રિલ બનાવનાર કંપનીથી લઈ તેના ડિલરો કે જે રાજકોટ ઉપરાંત બરોડા, મહેસાણા, કચ્છ, અમદાવાદ સહિતના શહેરોમાં કાર્યરત છે તેમને આ પ્રકારની ડ્રિલ કોને-કોને વેચી છે તેની માહિતી એકત્ર કરી હતી. આ પછી ડ્રિલ ખરીદનારા લોકોને એક બાદ એક ફોન કરીને તેમની પાસેથી ડ્રિલ સહિતનો ફોટો મંગાવ્યો હતો. આ રીતે કુલ 152 લોકોની પૂછપરછ કરી ત્યારે અમુક અંશે સફળતા મળી હતી. તપાસમાં સામે આવ્યા પ્રમાણે અજય નાયકાએ આ ડ્રિલ ગોંડલ ચોકડી પાસેથી 14,000 રૂપિયામાં ખરીદ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ પકડવા ગઈ તો ઝપાઝપી કર્યા બાદ ત્રીજા માળેથી કૂદકો માર્યો
એક બાદ એક કડી એકઠી કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવ્યું કે આ ચોરીને અંજામ ઉમરપાડા તાલુકાના રાજનીવાડ ગામના અજય નાયકાએ જ આપ્યો છે ત્યારે તેને પકડવા માટે તૈયારી શરૂ કરી હતી. એક ટીમ રાજનીવાડ ગામે ગઈ હતી જ્યાં અજય તેના મિત્રના ત્રણ માળના મકાનમાં છુપાયેલો હતો. જેવી ટીમ ઉપરોક્ત ઘેર પહોંચી એટલે અજયે પહેલાં તો ઝપાઝપી કરી હતી પરંતુ તેમાં કારી ન ફાવતાં અગાસી ઉપર ચડીને ત્રીજા માળેથી કૂદકો મારી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ક્રાઈમ બ્રાન્ચે દોટ મુકીને તેને દબોચી લીધો હતો. જો કે તેની પાસેથી હિરા કબજે ન થતાં આખરે તેણે ક્યાં છૂપાવ્યા તે અંગે લાંબી મથામણ કર્યા બાદ તેણે રાજકોટમાં જ હિરા છુપાવ્યા હોવાનું અને તે જગ્યા બતાવી દેતાં તુરંત હિરા કબજે લેવામાં આવ્યા હતા.

ચોરીનો ભેદ ઉકેલનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ
આ ચોરીનો ભેદ ઉકેલવામાં એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઈ એમ.કે.મોવલિયા, એ.એન.પરમાર, એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સટેબલ જયદેવસિંહ પરમાર, સંજય ખાખરિયા, તુલસી ચુડાસમા, સંજય રૂપાપરા રણજીતસિંહ પઢારિયા, ક્રિપાલસિંહ ઝાલા સહિતની ટીમે રાત-દિવસ એક કર્યા હતા.
આખા ગુજરાતના `હિરાચોર’ તેમજ જેલમાં બંધ આરોપીઓની પૂછપરછ કરાઈ
ચોરીનો આ બનાવ બન્યા બાદ લાંબા સમય સુધી સફળતા નહીં મળતાં ક્રાઈમ બ્રાન્ચે ઈ-પ્રિઝન પોર્ટલ, આઈસીજેએસ પોર્ટલ, ઈ-ગુજકોપ સહિતના માધ્યમોથી જેલમાં બંધ તેમજ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં પણ હિરાની ચોરી થઈ છે અને તેમાં સામેલ આરોપીઓની લાંબી પૂછપરછ પણ કરી હતી જેમાંથી અમુક કડી પ્રાપ્ત થવા પામી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.