વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં સારી અને સઘન સારવાર અનેક દર્દીઓ માટે જીવનરૂપી સુખ સાબિત થઇ રહી છે. અનેક ગંભીર દર્દીઓ હસતાં મોઢે ઘરે જતાં જોવા મળે છે. તાજેતરમાં ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ ધરાવતી બાળકીની સારવાર થતાં તે સ્વસ્થ થઇ હતી.ત્યારે ઝનાના હોસ્પિટલમાં આવેલા મેટરનલ એન્ડ ચાઇલ્ડ વિભાગની સારવારને કારણે વધુ એક નવજાત બાળકને નવુ જીવન મળ્યું છે. ખુબ ઓછા વજન સાથે જન્મેલા બાળકની હાલત જન્મથી જ ખુબ ખરાબ હતી. જેને મોતના મુખમાંથી તબીબોની ટીમે બહાર કાઢી તેનું વજન 79 દિવસમાં 740 ગ્રામથી 1.70 કિલો કર્યો હતો.અને સંપુર્ણ સ્વસ્થ બાળક માતા- પિતાને સોંપાતા તેમણે ટીમનો આભાર માન્યો હતો.
જાણવા મળ્યા મુજબ રાજકોટના રવીનાબેન ગોકુલભાઇ લુહાર-નેપાળીને ગત તા. ૧૧/૫/૨૪ના રોજ પ્રસુતીની પીડા ઉપડતાં સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં દાખલ કરાઇ હતી. અહિ છઠ્ઠા મહિને તેણે બાળકને જન્મ આપ્યો હતો. જો કે આ બાળકનું વજન માત્ર 740 ગ્રામ જ હતું.અત્યંત ઓછા વજનવાળા બાળકને જન્મથી ગંભીર ગૂંગળામણ થતી હોવાથી તુરત વેન્ટિલેટર અને અન્ય સહાયક ઉપચાર પર મૂકવામાં આવ્યું હતું. બાળકને એક અઠવાડિયું વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.
એકવાર બાળક સ્થિર થઈ ગયા પછી, ધીમે ધીમે માતાનું એક્સ્પ્રેસ્ડ બ્રેસ્ટમિલ્ક વધારવામાં આવ્યું. માતાના સ્તનપાન અને માતા-પિતા બંને દ્વારા અપાતી કાંગારૂ મધર કેરએ બાળકનું વજન વધારવા માટે મોટો ટેકો આપ્યો.કાંગારુ મધર કેર ઓછા વજનવાળા બાળકો માટે વરદાનરૂપ સાબિત થયું છે.આમ 79 દિવસ બાળકને સારવાર આપી તેનું વજન 1.7 કિલો પહોંચાડી તેં મોતના મુખમાંથી બહાર કાઢ્યું હતું. જ્યારે સારવારમાં નોંધપાત્ર ફાળો તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાની રાહબરીમાં ડો.મનાલી વીરપરીયા, ડો.માનસી શાહ, ડો. રૂપલ, ડો. રીયા, ડો. કુલદીપ, ડો. અશરી તથા નર્સિંગ સ્ટાફે ભજવ્યો હતો.