રાજમંત્ર કોલ્ડ્રીંકસના માલિકે કાર અથડાવવા મુદે પરિવાર પર કર્યો હુમલો
યુવકને માર મારી પાંચ વર્ષની બાળકીને ધક્કો મારી જમીન પર પછાડી : એ ડિવિઝન પોલીસે આરોપીની કરી ધરપકડ
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી રાજમંત્ર કોલ્ડ્રીંકસની દુકાન પાસે કાર અથડાવી નુકશાન કરવા પ્રશ્ને યુવાનને કોલ્ડ્રીંકસના માલિકે ઝગડો કરી તેને માર મારી પાંચ વર્ષની બાળકીને ધક્કો મારી પછાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી રાજમંત્ર કોલ્ડ્રીંકસના માલિકની ધરપકડ કરી છે.
બનાવની માહિતી મુજબ કોઠારિયા કોલોની કવાર્ટરનં. ૨૯૫ માં રહેતા કાર્તિક ભુપતભાઇ રાઠોડ(ઉ.વ. ૨૮)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં કીયા કારના ચાલક અને રાજમંત્ર કોલ્ડ્રીંકસના માલિક અભિષેક ચંદુભાઇ ઠુમ્મર (ઉ.વ. ૩૨)નું નામ આપતા જણાવ્યું હતું કે,પોતે પરિવાર સાથે પોતાની જીજે.૩.એલએમ-૨૩૦ નંબરની કાર લઇને રેસકોર્ષથી યાજ્ઞીક રોડ પર આવેલી રાજમંત્ર કોલ્ડ્રીંકસ નામની દુકાને ગયા હતા. અને પોતે દુકાન પાસે કાર પાર્ક કરી પરિવાર સાથે દુકાન પાસે ઉભો હતો. ત્યારે એક કીયા કાર નં. જીજે. ૩, એમઆર-૯૨૮૦ના ચાલક અભિષેકે તેની કાર રીવર્સમાં લેતા પોતાની કાર સાથે અથડાવતા કારના આગળના ભાગે નુકશાન થયુ હોઇ તેથી પોતે કાર સરખી ચલાવવાનું કહેતા કીયા કારનો ચાલક અભિષેક નીચે ઉતરી ઝગડો કરવા લાગ્યો હતો.
જેથી તેમના માતા ઉષાબેન અને પિતા ભુપતભાઇ છોડાવવા માટે વચ્ચે પડતા કારના ચાલકે માતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને સાથે રહેલી પાંચ વર્ષની દીકરીને ધકકો મારી પછાડી દીધી હતી. અને પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને એ.એસ.આઇ કે.કે.માઢક તથા રાઇટર કુલદીપસિંહ સહિતે કિયા કારના ચાલક અભિષેક ઠુમ્મરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો છે.