અરરર…ચાર દિ’માં બીજી વખત પોલીસ ઉપર હુમલો !
ભીસ્તીવાડની નામચીન માજીદગેંગે' પ્ર.નગર પોલીસ સ્ટાફને ઢીકા માર્યા, પથ્થરો ફેંક્યા, વાહનમાં ધોકા ફટકાર્યા: જીવ બચાવવા પોલીસે દોટ મુકી
કોન્સ્ટેબલ રિયાઝ ભીપૌત્રા, મયુરસિંહ જાડેજા ઉપર મધરાત્રે હુમલો: મધરાત્રે અધિકારીઓ દોડ્યા: એક પકડાયો, મુખ્ય સૂત્રધાર સહિત ૧૧ ફરાર
રાજકોટમાં જાણે કે
ખાખી’નો ખોફ ઓસરી ગયો હોય તેવી રીતે નાગરિકો તો ઠીક પરંતુ હવે તો પોલીસ સ્ટાફ પણ સલામત નથી ! આ વાતનો પૂરાવો ચાર દિવસમાં બબ્બે વખત પોલીસ ઉપર થયેલા હુમલો પરથી મળી જાય છે. ચાર દિ’ પહેલાં ગુંદાવાડી પોલીસ ચોકીમાં થોરાળાના ગૌરવ નામના લુખ્ખાએ ધમાલ મચાવ્યા બાદ હવે જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટર ચોક પાસે પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફ પર હુમલો કરી તેમને રીતસરનો દોડાવ્યો હોવાની ફરિયાદ નોંધાતાં સનસનાટી મચી જવા પામી છે.

આ અંગે પ્ર.નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રિયાઝ મહમ્મદભાઈ ભીપૌત્રાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ગત તા.૪ના રાત્રે એએસઆઈ ડી.વી.ખાંભલા, કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે રાત્રે ૧૨:૩૦ વાગ્યા આસપાસ પ્ર.નગર પોલીસ મથકેથી સર્વેલન્સ સ્કવોડના કોન્સ્ટેબલ તૌફીકભાઈ દાદુભાઈ મંધરાનો ફોન આવ્યો હતો કે બંદોબસ્ત માટે તાત્કાલિક રૂખડીયાપરામાં મેલડીમાના મંદિર પાસે આવો. આ ફોન આવતાં જ બન્ને ત્યાં પહોંચ્યા હતા. આ વેળાએ પીઆઈ પી.આર.ડોબરિયા, પીએસઆઈ બેલીસ, તોફીક મંધરા પણ ત્યાં હાજર હતા.
આ વેળાએ જાણવા મળ્યું હતું કે ફરીદાબેન નામના મહિલાના ઘેર માજીદ રફીક ભાણું તેમજ તેના સાગરિકો કાચની બોટલના ઘા કરી રહ્યા છે. ત્યારબાદ રાત્રે બે વાગ્યા આસપાસ રિયાઝ અને મયુરસિંહ જામનગર રોડ પર સાંઢિયા પુલ સ્લમ ક્વાર્ટર કમિટી ચોક પહોંચ્યા હતા ત્યારે માજીદ રફીક ભાણુ તેમજ ૧૦થી ૧૨ લોકો ઉભા હતા જે પૈકી ત્રણ-ચાર લોકોના હાથમાં ધોકા હતા.
આ પછી માજીદને બોલાવી તેને પોલીસ હોવાનું કહેતાં જ તેણે `પોલીસ હો તો શું થયું, અમે આ વિસ્તારના ડોન છીએ’ તેમ કહી ઝઘડો શરૂ કરી દીધો હતો. જોતજોતામાં ઉગ્ર બોલાચાલી કરી અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો કહીને ઝપાઝપી શરૂ કરીને રિયાઝને વાંસામાં ઢીકો મારી દેતાં મયુરસિંહ છોડાવવા વચ્ચે પડતાં તેને પણ બેફામ ગાળો ભાંડી પથ્થરના ઘા કર્યા હતા. આટલું ઓછું હોય તેમ બાઈકમાં ધોકાથી તોડફોડ કરી હુમલો કરતાં બન્ને જીવ બચાવવા વાહન મુકી મુઠ્ઠીઓ વાળી હતી !
આ અંગેની જાણ અધિકારીઓને થતાં જ પીઆઈ સહિતના દોડી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં તમામ ફરાર થઈ જતાં તેમની શોધખોળ શરૂ કરાઈ હતી જે પૈકી સમીર ઉર્ફે ધમો નામનો ટપોરી હાથમાં આવી ગયો હતો જ્યારે બાકીનાને પોલીસ શોધી રહી છે.
માજીદ ગુજસીટોક હેઠળ સજા કાપીને જામીન પર છૂટ્યો છે
પોલીસ પર હુમલાનો સૂત્રધાર માજીદ ભાણું ગુના આચરવા માટે કુખ્યાત હોય અગાઉ પોલીસ દ્વારા માજીદ સહિતના લુખ્ખાઓને ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા જ્યાંથી સજા કાપીને જામીન પર છૂટ્યા બાદ ફરી તેણે લખણ ઝળકાવ્યા હતા.
રાજકોટની એ પોલીસ ક્યાં ગઈ જેનું નામ સાંભળી લુખ્ખા થથરી જતાં ?
એક સમય હતો કે જ્યારે રાજકોટમાં એક બાદ એક માથું ઉંચકી રહી હતી અને શહેરમાં રીતસરનું અરાજકતાનું વાતાવરણ પ્રવર્તી ગર્યું હતું. એ સમયના પોલીસ અધિકારીઓ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસને છૂટો દોર આપી દેવામાં આવતાં તમામને દબોચીને સાન ઠેકાણે લાવવામાં આવી હતી પરંતુ અત્યારે એ પોલીસ જાણે કે ગાયબ જ થઈ ગઈ હોવાથી લુખ્ખાઓ પોલીસ ઉપર હુમલા કરતા, તેમને દોડાવતાં જરા પણ વિચાર કરતા નથી.
કમિશનર કચેરીનો લીમડો ચખાડવાનું જ બંધ કરી દેવાયું !
અગાઉના પોલીસ કમિશનરો રાજકોટમાં ફરજ બજાવતાં હતા ત્યારે લુખ્ખાગીરી કરનારા નઠારા તત્ત્વોને ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ પકડીને કમિશનર કચેરીમાં લાવતી અને ત્યાં ઐતિહાસિક લીમડાનો સ્વાદ ચખાડતી. આ કડવાણીની અસર ઘણા લાંબા સમય સુધી લુખ્ખાના શરીરમાં ટકી રહેતી હોવાથી તે ગુનો આચરતા પહેલાં સો વખત વિચાર કરતો પરંતુ આ લીમડાનો સ્વાદ ચખાડવાનું જ બંધ કરી દેવામાં આવતાં લુખ્ખાગીરી ફૂલીફાલી છે.
અધિકારીઓને `હાથ સાફ’ કરવાની મનાઈ ફરમાવા પાછળનું કારણ શું ?
એક વાત એવી પણ જાણવા મળી છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓને હાથ સાફ કરવા મતલબ કે રીઢા ગુનેગારોને હાથની ભાષામાં સમજણ આપવાની સિસ્ટમ પર અચાનક જ બ્રેક મારી દેવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે મતલબ કે સીધી લીટી અથવા તો એમ કહો કે કાયદા પ્રમાણે જ ચાલવાનો આદેશ અપાયો હોય અનેક જાંબાઝ અધિકારીના હાથ અત્યારે બંધાઈ ગયા હોવાનો ગણગણાટ પણ પોલીસ કર્મીઓમાંથી જ સાંભળવા મળી રહ્યો છે.