વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં ૧૫૦ ફટ રિંગ રોડ પર નાનામવા પાસેના બીઆરટીએસ બસ રુટ પર મહિલા પગપાળા રોડ ક્રોસ કરવા જતા બસે હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.આ અંગે માલવિયાનગર પોલીસે બસચાલક શકિતસિંહ જાડેજા સામે બેદરકારીથી બસ ચલાવી બ્રેક ન મારી મહિલાનું મોત નિપજાવ્યા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
વધુ માહિતી મુજબ ગોંડલ રોડ નજીક ખોડિયારનગરમાં રહેતા સોનલબેન ઘુઘાભાઇ પડસાળીયા (ઉ.૩૫) બપોરે તેના ઘરેથી પગપાળા ઘરકામ કરવા જતા તે દરમિયાન ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા નજીક બીઆરટીએસ રુટ પર પગપાળા રોડ ક્રોસ કરવા જતા બીઆરટીએસ ઠોકરે ચડી જતા તેનું મોત થયું હતું. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસ મથકના હેડ કોન્સટેબલ સોનાબેન મુળિયા સહિતના સ્ટાફે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી કરી હતી. આ મામલે પોલીસે સીસીટીવી સહિતની તપાસ કરતા મહિલા રોડ ક્રોસ કરતા હોવાનું દુર દેખાયા છતા બસ ધીમી ન પાડી કે બ્રેક ન મારી બેફીકરાઈ પૂર્વક બસ ચલાવવા બદલ મૃતકના પતિ ઘુઘાભાઈ ની ફરિયાદ પરથી બસચાલક શકિતસિંહ જાડેજા સામે ગુનો નોંધી તેની ઘરપકડ કરી હતી.