રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં માયાણીનગરમાં રહેતા અને સુથારી કામ કરતાં યુવાન ઘરેથી કામ ઉપર જવાનું કહીને નીકળ્યા બાદ કણકોટ ગામ પાસે નદીમાં કૂદી જીવન ટૂંકાવી લીધું હતું. યુવાને ઉઘરાણીથી કંટાળી આપઘાત કર્યો હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ કરી છે.
વિગત મુજબ રાજકોટમાં મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા માયાણીનગરમાં રહેતા રાકેશભાઈ રસિકભાઈ લાઠીયા નામનો 40 વર્ષનો યુવાન કણકોટ ગામથી આગળ આવેલા રામનગર જતા રોડ ઉપર નદીના પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાકેશભાઈ લાઠીયા બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો. અને તેને સંતાનમાં બે પુત્ર છે. રાકેશભાઈ લાઠીયા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને સવારના ઘરેથી કામ ઉપર જવાનું કહીને સ્કૂટર લઈને નીકળ્યો હતો.બપોરના જમવા ન આવતા નાના પુત્રએ ફોન કરતા તમે જમી લેજો મારે મોડું થશે તેમ કહ્યું હતું બાદમાં ફોન બંધ આવતો હતો.અને તેની લાશ નદીમાંથી મળી હતી.જ્યારે યુવકે પૈસાની ઉઘરાણીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.