- સાધુ વાસવાણી રોડ પર રહેતા મહિલાને ઝેરી કમળો ભરખી ગયો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો છે. ત્યારે રાજકોટમાં બે લોકોના બીમારીથી મોત થયા છે.જેમાં નાના મવા રોડ પાસે રહેતા ધો.6ની છાત્રનું તાવ શરદીથી અને સાધુ વાસવાણી રોડ પર રહેતા મહિલાનું કમળાની બીમારી સબબ મોત નિપજતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
વિગત મુજબ નાના માવા રોડ ઉપર આવેલા આરએમસીના ક્વાર્ટરમાં રહેતા પરસોત્તમભાઈ પરમારના ધો.6માં અભ્યાસ કરતાં 11 વર્ષીય પુત્ર પ્રતિક પરમાર ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં માસુમ બાળકનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ તાલુકા પોલીસને થતાં તેઓ દોડી ગયા હતા. અને પ્રાથમિક પૂછપરછમાં મૃતક એક બહેનનો એકનો એક ભાઈ હતો. પ્રતિકને છેલ્લા ચાર-પાંચ દિવસથી શરદી અને તાવ આવતો હતો.જેની દવા પણ લીધી હતી.બાદમાં બીમારીથી તેનું મોત થયું હતું.
બીજા બનાવમાં રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર આવેલા યોગેશ્વર પાર્કમાં રહેતા પ્રવિણાબેન ધીરજલાલ સિદ્ધપુરા નામના 48 વર્ષના પ્રોઢા રાત્રીના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા.
ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને અહી તેમનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રવીણાબેન સિદ્ધપુરાને સંતાનમાં બે પુત્ર છે અને પ્રવીણાબેન સિદ્ધપુરાને કમળો થયા બાદ તેની ઝેરી અસર થતાં તેમનું મોત થયાનું પરિવારે જણાવ્યું હતું.