વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં હાર્ટ એટેકથી મોત નિપજવાની ઘટનાઓ યથાવત રહી છે. ત્યારે વધુ એક પરિવારના આધારસ્તંભ સમા 23 વર્ષીય યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે.શહેરમાં રેલનગરમાં રહેતો યુવાન રાત્રિના એકાએક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેને દમ તોડી દીધો હતો. હાલ યુવાનની પત્નિ સગર્ભા છે.ઘટનાથી પરિવાર શોકમાં ગરક થયો છે.
વિગત મુજબ રેલનગરમાં આવેલા મહર્ષિ દયાનંદ ટાઉનશીપમાં રહેતો રોહિત દિનેશભાઇ ત્રિવેદી (ઉ.વ.૨૩) રાતે અઢી વાગ્યાની આસપાસ અચાનક તેને ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબીબે તેને તપાસી મૃત જાહેર કરી હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું. બનાવ મામલે પ્ર.નગર પોલીસને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક રોહિત રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તેના પિતા કેટરીંગનું કામ કરે છે તે બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. બે વર્ષ પહેલા તેના ધારા સાથે પ્રેમ લગ્ન થયા હતા તેણી હાલમાં સગર્ભા છે.જેથી સગર્ભા પત્ની વિધવા થતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે.