જામકંડોરણા પાસે ખનીજ ખનન માફિયાઓ પર દરોડો : એક કરોડના વાહનો કબજે
રાજકોટ જિલ્લામાં ચાલતા ખનીજ ખનન પર અંતે પોલીસ તથા ખાણખનીજ વિભાગ દ્વારા સ્ટ્રાઈક ચાલુ કરાઈ હોય તેમ જામકંડોરણાના લુણાગરા-ઈશ્વરિયા ગામ પાસે નદીમાં થતી રેતીચોરીના કારસ્તાન પર છાપો માર્યો હતો. બે લોડર, પાંચ ડમ્પર મળી 1.05 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
હતો. જો કે ખનન માફિયા હાથ લાગ્યા ન હતા. જામકંડોરણા નજીકની ફોફળ નદીના પટમાંથી રેતીચોરીનું કારસ્તાન ચાલતું હોવાની ધોરાજીના ડીવાયએસપી સિમરન ભારદ્વાજ તથા ખારખનીજ વિભાગના અધિકારી અંકિત ભટ્ટને સંયુક્ત માહિતી મળી હતી જે આધારે બન્ને વિભાગે મળીને દરોડો પાડયો હતો. ટીમો ત્રાટકતા રેતી
ખનન કરતાં માફિયા, વાહનચાલકો, મજૂરો મુઠ્ઠીઓ વાળી ગયા હતા. પોલીસ તથા ખાણખનીજ વિભાગે સ્થળ પર રેઢા પડેલા બે લોડર, પાંચ ડમ્પર મળી 1.05 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરોડામાં સાથે પીએસઆઈ બી.ડી. જોશી સ્ટાફ તથા રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાણવા સહિતના જોડાયા હતા.