લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે એટલે કે 6 જુલાઈએ રાહુલ ગાંધી બપોરના 12.30 વાગ્યે અમદાવાદ આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન તેઓ અલગ-અલગ દુર્ઘટનાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે મુલકાત કરશે અને તેમણે સાંત્વના પાઠવશે.
આવતીકાલે ભાજપના ગઢમાં રાહુલ ગાંધી આવી રહ્યા છે તેઓ તક્ષશિલાથી લઈ રાજકોટ અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓના પીડિત પરિવારોને મળશે. રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ કાર્યકરોને પણ મળશે. આ અગાઉ તેમણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી અને તેમને ન્યાય અપાવવાનુ આશ્વાસન આપ્યુ હતુ. ત્યારે હવે તેઓ ખુદ પીડિત પરિવારોને મળવા ગુજરાત આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં હાથરસમાં યોજાયેલ એક સત્સંગ સભામાં ભાગદોડ મચતાં 130 જેટલા લોકોના મોત થયા હતા. આજે રાહુલ ગાંધીએ હાથરસ મુલાકાત દરમ્યાન મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સહાયતા કરવાનું વચન આપ્યું. હાથરસ અને અલીગઢ બાદ આવતીકાલે રાહુલ ગાંધી ગુજરાત આવશે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે.
રાજકોટ ગેમઝોન ઘટનાના પીડિતો સાથે મુલાકાત
પાર્ટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી 25 મે, 2024ના રોજ રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં પીડિતો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી તક્ષશિલા કાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી બ્રીજ દુર્ઘટના અને રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સહિતની દુર્ઘટનાઓના પીડિત પરિવારોને મળશે
