લોકસભાની ચૂંટણીનું નાળચુ હવે ગુજરાત તરફ
- રાજકોટ અને સુરતની બેઠકે દેશભરના નેતાઓ અને મીડિયાનું ધ્યાન ખેંચ્યુ છે : બે તબક્કા પૂરા થઇ ગયા બાદ હવે ત્રીજા
- તબક્કાનીએક તરફ ૨૬ બેઠકની હેટ્રિકનો દાવો તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ
- અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, સી.આર.પાટીલ જેવા દિગ્ગજો મેદાનમાં છે
લોકસભાની ચૂંટણીનાં બે તબક્કા એકંદરે શાંતિપૂર્ણ રીતે પસાર થઇ ગયા છે અને હવે બધાની નજર ગુજરાત સહિતના 12 રાજ્યોમાં થનારી ત્રીજા તબક્કાની ચૂંટણી ઉપર કેન્દ્રિત થયું છે. આ વખતની ગુજરાતની ચૂંટણી ખાસ કરીને રજકોટ અને સુરતની બેઠકને કારણે રસપ્રદ બની છે. સુરતમાં તો ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ પણ ગયા છે પરંતુ રાજકોટની બેઠક ઉપરની આગ હજુ ઠરી નથી. માત્ર રાજકોટ જ નહી પણ તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશભરના નેતાઓ અને મીડીયાનું ધ્યાન આ બેઠક ઉપર કેન્દ્રિત થયું છે.
ત્રીજા તબક્કામાં ૭મી મેએ ગુજરાતની ૨૫, દાદરા નગર હવેલી તથા દમણ અને દીવની બે, આસામની ચાર, બિહારની પાંચ, છતીસગઢની સાત, ગોવાની બે , જમ્મુ-કાશ્મીરની એક, કર્ણાટકની ૧૪, મધ્યપ્રદેશની ૯, મહારાષ્ટ્રની ૧૧, ઉત્તરપ્રદેશની ૧૦ અને પશ્ચિમ બંગાળની ૪ એમ કુલ ૧૨ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની ૯૫ બેઠક ઉપર મતદાન થશે.
આ ત્રીજા તબક્કામાં આમ તો જુદા જુદા રાજ્યોના ઘણા દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવી ઘડાશે પરંતુ ગુજરાતમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, ફિશરીઝ મંત્રી પુરુષોતમ રૂપાલા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત વરિષ્ઠ રાજકારણી અર્જુન મોઢવાડિયા તથા વિરોધ પક્ષનાં પૂર્વ નેતા પરેશ ધાનાણીનું રાજકીય ભાવી પણ ઘડાવાનું છે.
આ વખતે રાજકોટની બેઠક પહેલેથી જ ચર્ચામાં રહી છે અને હવે મતદાનની તારીખ નજીક આવી છે ત્યારે પણ ચર્ચામાં જ છે. ક્ષત્રિય સમાજના એક વર્ગનો રોષ હજુ શાંત થયો નથી અને જુદા જુદા માધ્યમો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ રોષ માત્ર રાજકોટ પૂરતો સીમિત ન રહેતા તમામ બેઠક ઉપર પણ જોવા મળી રહ્યો છે અને ભાજપના કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજના યુવાનો પહોચી જઈને વિરોધ કરે છે.
રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એકથી વધુ વખત માફી માગી લીધી અને અને ખુદ સી.આર. પાટીલે પણ હાથ જોડીને વિનંતી કરી છે આમ છતાં હજુ આ આગ ઠરી નથી. ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે ક્ષત્રીય સમાજની નારાજગી દુર કરવામાં આવશે. આ સિવાય પણ વિવિધ ક્ષેત્રમાંથી માફામાફીની અપીલો થઇ પણ હજુ આ રોષ જેમનો તેમ છે તેથી તેની મતદાન ઉપર કેવી અસર પડે છે તેના ઉપર સૌની નજર છે.
રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને એક વખત રૂપાલાને હરાવી ચુકેલા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે. બીજી બાજુ પોરબંદરમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે. કેટલાક લોકો તેમને આયાતી ઉમેદવાર ગણી રહ્યા છે પણ આ વખતે તેમને અર્જુન મોઢવાડિયાનો સાથ પણ મળ્યો છે. અર્જુનભાઈ મોઢવાડિયા પણ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની પેટા ચૂંટણી લડી રહ્યા છે.
ગાંધીનગરની સીટ ઉપર ખુદ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને રાજ્યમાં સૌથી વધુ મતની લીડથી જીતશે તેવો દાવો ખુદ સી.આર.પાટીલે કર્યો છે. સી.આર.પાટીલ પણ નવસારી બેઠક ઉપર લડી રહ્યા છે. આમ આ ઉમેદવારો અને સંજોગોને લીધે ગુજરાતની ચૂંટણી ચર્ચાસ્પદ અને રસપ્રદ બની છે.