- એસઓપીના અમલ માટે નક્કી કરેલી એજન્સીઓની યાદી ધંધાર્થીઓને અપાઈ
- રાઇડ્સ સંચાલકો માટે સરકારે બનાવેલા એસઓપીમાં કોઈ ફેરફાર નહીં થાય : કલેકટરની સાફ વાત
રાજકોટ : રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે આગામી તા.24થી 28 દરમિયાન યોજાનાર લોકમેળામાં સરકારની એસઓપીના અમલ સામે વાંધો લઇ રાઈડ્સ સંચાલકોએ બે વખત સ્ટોલ-પ્લોટની હરરાજીનો બહિષ્કાર કર્યા બાદ મંગળવારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રાઈડ્સ સંચાલકો સાથે બેઠક યોજી સરકારની એસઓપીમાં ફેરફારને કોઈ અવકાશ ન હોવાનું સ્પષ્ટ પણે જણાવી આવતીકાલે છેલ્લી વખત હરરાજી કરવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું હતું.
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ રાજ્યસરકારે નક્કી કરેલી એસઓપી મુજબ જ લોકમેળામાં રાઇડ્સ લગાવવા નક્કી કરવામાં આવતા રાઈડ્સ સંચાલકોએ એસઓપી માન્ય ન હોવાનું જણાવી આકરા નિયમોમાં છુટછાટ આપવાની માંગણી સાથે બે વખત હરરાજીનો બહિષ્કાર કરતા મંગળવારે જિલ્લા કલેકટર સાથે બેઠક યોજી હતી. જો કે, આ બેઠકમા જિલ્લા કલેકટર દ્વારા સરકારની એસઓપીમાં કોઈ જ ફેરફાર કરવામાં નહિ આવે તેવું સ્પષ્ટ કરી ધંધાર્થીઓ માટે નક્કી કરેલી એજન્સીઓનું લિસ્ટ આપી નિયમ પાલન માટે સુગમતા કરી આપી હતી.
બીજી તરફ રાજકોટ એમ્યુઝમેન્ટ પાર્ક એસોસીએશનના પ્રમુખ જાકીરભાઈએ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને માર્ગ મકાન વિભાગ તરફથી સહકાર મળ્યો હોવાનું જણાવી તેમની અન્ય માંગમાં ટીકીટના દર વધારી રૂા.50 અને 70 કરવા અને બે પ્લોટમાં ત્રણ રાઈડ્સ રાખવા દેવાની મંજૂરી આપવા ઉપરાંત એનડીટી રિપોર્ટ જીએસટી નંબર સહિતના નિયમોમાં છુટછાટની માંગ દોહરાવી હતી પરંતુ જિલ્લા વહીવટીતંત્રનો વર્તમાન રવૈયો જોતા નિયમોમાં કોઈ જ બાંધછોડને આવકાશ ન હોવાની સ્પષ્ટ છે ત્યારે આવતીકાલે યોજાનાર છેલ્લી હરરાજીમાં પણ જો કોકડું નહીં ઉકેલાય તો અન્ય ધંધાર્થીઓને સ્ટોલ-પ્લોટ ફાળવવામાં આવે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.