અવાજ ઉઠાવવાની સજા? પુરવઠા સામે બાયો ચડાવનાર રાજકોટના એક સહિત 17 અનાજના વેપારીઓને ત્યાં દરોડા
રાજ્યમાં પુરવઠા વિભાગના ગોડાઉનથી સસ્તા અનાજના વેપારીની દુકાન સુધી ઘઉં, ચોખા,દાળ,નમક જેવી જણસીઓ પહોંચતી કરવામાં ઓછો જથ્થો આપવો, મજૂરીના નામે ડોર સ્ટેપ ડિલિવરીના કોન્ટ્રાકટરના માણસો દ્વારા ખંડણી પડાવવી તેમજ ડોર સ્ટેપ ડિલિવરીમાં માલિકીના વાહનોને બદલે ભાડાના વાહનો સહિતના પ્રશ્ને ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ એસોશિએશન દ્વારા મુખ્યમંત્રીને ધગધગતી રજુઆત કરતા આ રજૂઆતનું વિસ્ફોટક પરિણામ આવ્યું હતું.પુરવઠા વિભાગે પોતાની ભૂલો સુધારવાને બદલે સસ્તા અનાજના વેપારીઓને ટાર્ગેટ કરી બદલાની ભાવનાથી 17 જગ્યાએ તપાસની દરોડાની કાર્યવાહી કરતા વેપારીઓમાં રોષ છવાયો છે અને ફરી પાછા મુખ્યમંત્રીને રજુઆત કરવા તૈયારી શરૂ કરી છે.
ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશિએશન દ્વારા ગત તારીખ 17 તથા 18 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી સસ્તા અનાજની દુકાનની તપાસણીમાં 22 સપ્ટેમ્બર 1989ના પરિપત્રનો અમલ થાય અને પુરવઠા નિગમ દ્વારા ગોડાઉન ખાતેથી સસ્તા અનાજની દુકાન ખાતે જે જથ્થો પહોંચાડવામાં આવે છે તેમાં થતી ચોરી, બેઈમાની, લૂંટ અને મજુરીના નામે ઊઘરાવવામા આવતી ખંડણી સંદર્ભે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવતા પુરવઠા વિભાગના દુભાયેલા અધિકારીઓ દ્વારા ઉલટા ચોર કોટવાલ કો દાટે ઉક્તિ મુજબ નિગમ પર કોઈ એક્શન લેવાના બદલે અન્યાય સામે અવાજ ઉઠાવનાર ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસિએશનના આગેવાનો અને સામાન્ય દુકાનદારોને દાબી દેવા માટે તેમની દુકાન ખાતે ઉચ્ચ અધિકારીની ટીમ મોકલીને દુકાનોની તપાસણીના નામે બદલાની ભાવના સાથે દુકાનદારોને દાબી અને કચડી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.