કેતકી વ્યાસની મુશ્કેલીઓ વધી: અપ્રમાણસર મિલકત કેસમાં ACB કોર્ટે ફગાવી જામીન અરજી
ગુજરાતના વહીવટી વર્તુળોમાંથી એક મોટા અને ચર્ચાસ્પદ સમાચાર સામે આવી રહ્યા છે. લાખો-કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત વસાવવાના કેસમાં ઘેરાયેલા પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસને કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે. ACBની વિશેષ અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું છે કે જવાબદાર હોદ્દા પર બેઠેલા અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા આર્થિક ગુનાઓ સમાજ અને શાસન વ્યવસ્થા પર ઊંડી અસર કરે છે, જેથી હાલ તેમને કોઈ રાહત આપી શકાય નહીં.
જામીન અરજી રદ કરતા કોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન
પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસ સામે રૂ. 3.56 કરોડની અપ્રમાણસર મિલકતનો મામલો ચાલી રહ્યો છે. ACBની વિશેષ અદાલતે તેમની જામીન અરજી ફગાવતી વખતે નીચે મુજબના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ નોંધ્યા હતા:
વિશ્વાસઘાત અને ગંભીરતા: આર્થિક અને ગેરકાયદે સંપત્તિના ગુનાઓ પ્રજાના સરકારી તંત્ર પરના વિશ્વાસને સીધું નુકસાન પહોંચાડે છે.
તપાસથી દૂર રહેવું: અરજદાર મહેસૂલી કાયદાથી સંપૂર્ણ માહિતગાર વર્ગ-1ના જવાબદાર અધિકારી હોવા છતાં લાંબા સમય સુધી ACBની તપાસથી દૂર રહ્યા હતા.
નાસી છૂટવાની શક્યતા: તપાસ સહકાર ન આપવાના વર્તનને કારણે જામીન પર મુક્ત કરવામાં આવે તો ટ્રાયલ વખતે આરોપી ભાગી જવાની શક્યતા નકારી શકાય નહીં.
દસ્તાવેજોની અવૈધતા: અરજદારે રજૂ કરેલા આવક અને રોકાણના દસ્તાવેજો પર સીએ (CA) કે અરજદારની સહી-સિક્કા ન હોવાથી તેની અધિકૃતતા હાલમાં સ્વીકારી શકાય નહીં.
આ પણ વાંચો: રેલવેની ભેટ: જન્માષ્ટમી દરમિયાન ગાંધીનગરથી દ્વારકા વચ્ચે દોડશે ખાસ ટ્રેન
કેતકી વ્યાસ અને બચાવ પક્ષની રજૂઆતો
કોર્ટ સમક્ષ કેતકી વ્યાસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તેમની સામે પ્રથમ દર્શનીય કોઈ કેસ બનતો નથી. વળી, પૂર્વ તપાસની મંજૂરી મળ્યાના લગભગ 2 વર્ષ અને 8 મહિના પછી ફરિયાદ નોંધાઈ છે. તેમના માતા-પિતા વિરમગામ રહે છે અને તેમની પોતાની સ્વતંત્ર આવક તથા રોકાણ છે. પતિ પોલીસ કર્મચારી હોવા છતાં તેમની રૂ. 89 લાખની દસ્તાવેજી આવક ધ્યાને લેવાઈ નથી. એસીબી દ્વારા ગણવામાં આવેલી 68.84% ની રકમ કાલ્પનિક અને ભૂલભરેલી આંકડાકીય ગણતરી હોવાનો દાવો પણ કરાયો હતો.
સરકારી વકીલનો વિરોધ અને પોલીસ કસ્ટડીની આવશ્યકતા
સામે તેની તરફેણમાં સરકારી વકીલે ઉગ્ર વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મહિલા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો ધરાવવાનો અત્યંત ગંભીર ગુનો છે. તેઓ લાંબા સમય સુધી એસીબી સમક્ષ હાજર રહ્યા ન હતા. વિવિધ સ્થળોએ ખરીદેલી મિલકતો અને બેંક એકાઉન્ટના શંકાસ્પદ વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ માટે તેમની પોલીસ કસ્ટડી અત્યંત આવશ્યક છે. હાલમાં તપાસ નાજુક તબક્કે છે અને ચાર્જશીટ ફાઇલ કરવાનું બાકી હોવાથી જામીન ન આપવા જોઈએ.
આ કેસમાં CID ક્રાઈમ દ્વારા ધરપકડ થયા બાદ હવે કોર્ટે પણ જામીન અરજી ફગાવી દેતા કેતકી વ્યાસની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાયદાકીય શિકંજા વચ્ચે આગામી દિવસોમાં તપાસ એજન્સી દ્વારા આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી પૂરી શક્યતા છે.
