રાજકોટમાં યોજાશે વડાપ્રધાન મોદીનો રોડ શો : 11મી જાન્યુ.એ બપોરે 2:40 વાગ્યે મારવાડી યુનિ.એ પહોંચશે,કલેક્ટર કચેરીમાં બેઠકનો ધમધમાટ
આગામી 11 જાન્યુઆરીએ રાજકોટના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. શહેરમાં પહેલીવાર વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થયું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવાનું છે. આ કાર્યક્રમ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાવાનો છે ત્યારે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે રવિવારે બપોરે 2:40 વાગ્યે થશે. આ પહેલાં એક રોડ-શોનું આયોજન પણ ગોઠવાઈ રહ્યાનું જાણવા મળ્યું હતું. મારવાડી યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર નરેશ જાડેજાના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન રવિવારે 2:40 વાગ્યે યુનિવર્સિટી ખાતે આવી પહોંચશે તેવી સત્તાવાર જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.

અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન વાયબ્રન્ટ સમિટ અંતર્ગત તૈયાર કરાયેલા એક્ઝિબિશન કે જેના માટે છ મોટા ડોમ તૈયાર કરવામાં આવ્યું છે તેનું ઉદ્ઘાટન કરશે. આ પછી બપોરે ત્રણ વાગ્યે મારવાડી યુનિવર્સિટીની સામે જ આવેલા હોલનું પણ તેમના હસ્તે ઉદ્ઘાટન કરાશે. એકંદરે બપોરે 2:40થી 4 વાગ્યા સુધી વડાપ્રધાન યુનિવર્સિટી ખાતે જ રોકાણ કરશે. વડાપ્રધાનની સાથે ચાર રાષ્ટ્રના વડા ઉપરાંત પાંચ હજારથી વધુ ઉદ્યોગ માંધાતાઓ આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જ્યારે રોડ-શો અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે હાલ ગોઠવાઈ રહેલા કાર્યક્રમ પ્રમાણે રવિવારે બપોરે 12:30થી એક વાગ્યા આસપાસ વડાપ્રધાન જૂના એરપોર્ટ ખાતે ઉતરશે અને અહીંથી જ તેમનો રોડ-શો શરૂ થશે. અહીંથી રોડ-શો આમ્રપાલી બ્રિજ અને ત્યાંથી તેમનો કાફલો રૈયા ચોકડીએ પહોંચશે. રૈયા ચોકડીથી રોડ-શો માધાપર ચોકડી સુધી ચાલશે અને ત્યાંથી તેઓ સીધા મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હોય તેમાં પણ વડાપ્રધાનની હાજરી રહે તેવી શક્યતા સેવાઈ રહી છે.
કલેક્ટર કચેરીમાં એક બાદ એક બેઠકનો ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રાજકોટ કાર્યક્રમ મહદ અંશે નક્કી થઈ ચૂક્યો છે ત્યારે તૈયારીને અંતિમ ઓપ આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં એક બાદ એક બેઠક મળી રહી છે. મંગળવારે સાંજે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિકારીઓ ઉપરાંત મહાપાલિકા, પીજીવીસીએલ સહિતની કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વધુમાં વધુ ઉદ્યોગકારો વાયબ્રન્ટ સમિટમાં ભાગ લ્યે તે માટેના તમામ પ્રયાસ કરવા ઉપરાંત સુરક્ષા-બંદોબસ્ત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
