રાષ્ટ્રપતિએ રાફેલમાં ભરી ઉડાન : રાષ્ટ્રપતિ સાથે ઓપરેશન સિંદૂરની પાઇલટ દેખાઈ, અંબાલા ઍરફોર્સ સ્ટેશનમાં કાર્યક્રમમાં આપી હાજરી
દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ બુધવારે અંબાલા ઍરફોર્સ સ્ટેશનમાંથી ફ્રાન્સ નિર્મિત ફાઇટર જેટ રાફેલમાં ઉડાન ભરી હતી. તેમણે ઍરફોર્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અતિથિ વિશેષ રૂપે હાજરી આપી હતી. વાયુસેનાના જવાનોએ તેમને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે વાયુસેનાના પ્રમુખ એપી સિંહ પોતે પાયલટ તરીકે રાફેલ ઉડાવી રાષ્ટ્રપતિને રાફેલની સહેર કરાવી હતી. રાફેલે પાકને ખોખરું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઓપરેશન સિંદૂરમાં વીરતા સાથે પ્રકાશમાં આવેલી રફેલ ફાઇટર પાઇલટ શિવાંગી સિંહ પણ રાષ્ટ્રપતિ સાથે રહી હતી. બંનેએ સાથે પોઝ આપ્યો હતો. શિવાંગી વાયુસેનાની પ્રથમ જ મહિલા રાફેલ પાઇલટ છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન અને પ્રોટોકલ હેઠળ સંબંધિત વિભાગોના અધિકારીઓની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી હતી. ડેપ્યુટી કમિશ્નર અજય સિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દિલ્હીથી હવાઈ માર્ગે અંબાલા કેન્ટોનમેન્ટ સ્થિત ઍરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. સુરક્ષાના કારણોસર ઍરફોર્સ સ્ટેશનની આસપાસ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છે. ઍરફોર્સ સ્ટેશનની અંદર મોબાઇલ ફોન લઈ જવાની મંજૂરી નથી. ફક્ત અધિકૃત કર્મચારીઓને જ અંદર જવાની મંજૂરી છે.
દ્રોપદી મૂર્મુએ અગાઉ પણ ફાઇટર જેટ્સમાં ઉડાન ભરી નિરિક્ષણ કર્યું હતું. 8 એપ્રિલ, 2023ના રોજ મૂર્મુ આસામમાં તેજપુર ઍરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ-30 એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરનારા ત્રીજા અને મહિલામાં બીજા રાષ્ટ્રપતિ હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે પણ સુખોઈ-30 એમકેઆઇ ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી.
