રાતના 12 વાગ્યા સુધી દરેક PI માટે પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશ્નરનો કડક આદેશ
અમદાવાદમાં વસ્ત્રાલની ખૂલ્લેઆમ હથિયારો સાથે ફિલ્મી સ્ટાઈલથી ટોળકીએ મચાવેલા ઉત્પાત સાથેની ઘટના બાદ રાજ્યભરમાં અસામાજિક તત્વો પર તૂટી પડવાના આદેશના પખવાડિયા બાદ હવે અમદાવાદમાં ફરજ બજાવતા થાણા અમલદારો, પીઆઈએ ૧૪ કલાક સુધી (સવારે ૧૦થી રાત્રે ૧૨) નોકરી પર હાજર રહેવાના ફરમાન છૂટયા છે. અમદાવાદ શહેરમાં ક્રાઈમ કન્ટ્રોલ કરવા માટે અને પોલીસ મોડે સુધી ફિલ્ડમાં રહે તો અસામાજિક તત્વો પણ માપમાં કે ભોંભીતર રહે તેવો ઉદ્દેશ હશે પરંતુ પોલીસમાં હવે ૧૪-૧૪ કલાકની નોકરીથી કચવાટ કે આંતરિક ચર્ચા-ચકચાર પણ હશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં ફરજ બજાવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ (આઈપીએસ)થી લઈ નાના અધિકારીઓ, પોલીસ મથકો થાણાના ઈન્ચાર્જ માટે પણ નોકરીના કલાકો શેડ્યુલ કે જવાબદારી ફિક્સ કરતું પોલીસ કમિશનરનું લેખિત ફરમાન થયું છેનું જાણવા મળે છે.
એડિશનલ સીપીથી લઈ એસીપી સુધીના અધિકારીઓએ દરરોજ સવારે ૧૨ વાગ્યાથી બે વાગ્યા (૧૨થી ૧૪) સુધી કચેરી પર મુલાકાતીઓને સમય ફાળવવો પડશે. અરજદારોને સાંભળવા પડશે. લેખિત અરજી આવે તો તે સ્વીકારીને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. જો ઉચ્ચ અધિકારી અનિવાર્યપણે હાજર ન હોય તો કચેરીના રીડર પીએસઆઈ કે મદદનીશે અરજદારોની રજૂઆતો સાંભળીને અરજી સંબંધિત અધિકારીને ધ્યાને વંચાણે મુકવાની જવાબદારી રહેશે.
અમદાવાદમાં પીઆઈ માટે સવારથી મોડી રાત સુધી ૧૪ કલાકની ડયુટી સાથે શેડ્યુલ ફિક્સ કરાયા છે. પીઆઈએ બપોરે ૪થી ૬ (૧૬થી ૧૮) બે કલાક સુધી મુલાકાતીઓને પોલીસ સ્ટેશન પર મળવાનું રહેશે. અરજી આપે તો તેના પર કાર્યવાહી કરવાની રહેશે. ત્યારબાદ તુરંત જ સાંજે ૬થી ૯ ત્રણ કલાક તેમના પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ, ગુનેગારોનું ગુનેગારોનું ચેકિંગ, નાસતા-ફરતા આરોપીઓનું ચેકિંગ ફિલ્ડમાં જઈને કરવાનું રહેશે. ત્યારબાદ રાત્રે ૯થી ૧૨ વાગ્યા સુધી પોલીસ સ્ટેશન કે તપાસને લગતા અન્ય કામો કરવાના રહેશે. રાત્રે ૧૨ વાગ્યા પહેલાં પીઆઈ તેમનો થાણા વિસ્તાર છોડી શકશે નહીં. આવી જરૂરિયાત ઉભી થાય તો સંબંધિત નાયબ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી લેવી પડશે.
થાણા ઈન્ચાર્જની કામગીરી બાબતે ડીસીપીને જવાબદારી સોંપાઈ છે અને તેઓએ થાણા ઈન્ચાર્જની ઓચિંતી મુલાકાત કે ચેકિંગ કરવાનું રહેશે. જે પીઆઈને નાઈટ હોય તેઓએ રાત્રે ૯-૩૦ વાગ્યે નીકળીને ૧૧ વાગ્યે દોઢ કલાકમાં પરત હાજર થવું પડશે અને સવારે પાંચ વાગ્યા સુધી નાઈટ રાઉન્ડમાં ડ્યુટી કરવી પડશે.
નાઈટ કરી હોય તેમણે પાછું સવારે ૧૦ વાગ્યાના બદલે અઢી કલાક મોડું ૧૨-૩૦ કલાકે તો થાણા પર આવી જ જવાનું જેને નાઈટ ન હોય તેમણે સવારે ૧૦ વાગ્યે પહોંચવાનું. આમ, ઓન પેપર સવારે ૧૦થી રાત્રે ૧૨ સુધી ૧૪ કલાક ડયુટી થાણામાં અને થાણા વિસ્તારમાં કરવાની રહેશે. પીઆઈ હાજર રહે એટલે તેમના તાબાના સ્ટાફને તો હાજર રહેવું જ પડે. ૧૪-૧૪ કલાકની નોકરીએ કચવાટ જન્માવ્યો હશે.
કલાકોની ડ્યુટી કરતા જવાબદારી ફિક્સ કરાય તો ઘણો ફર્ક પડે !
જે રીતે ૧૪-૧૪ કલાકની ડ્યુટી પીઆઈ થાણા ઈન્ચાર્જને સોંપાઈ છે તે આદેશ મુજબ પાલન કરવું પડે પરંતુ કલાકોની કવાયત કરતા કેવું કામ થાય છે, વિસ્તારમાં કેવી કડકાઈ છે ? કોઈ ગુનાઈત પ્રવૃત્તિઓ ચાલે છે કે કેમ ? જો આવું કાંઈ ચાલતું હોય તો એ વિસ્તારના થાણા ઈન્ચાર્જ કે જવાબદાર સામે ક્વિક અને કડક એક્શન લેવાવા જોઈએ. આવી જવાબદારી ફિક્સ થાય કે પગલાં લેવામાં આવે તો જે તે થાણા અમલદાર જાતે જ સજાગ રહે અને ગેરપ્રવૃત્તિઓ કે અસમાજિક તત્વો કન્ટ્રોલમાં રહે બાકી કલાકો ફિલ્ડમાં રહે અને આંખ આડા કાન થતાં રહે તો ગુનાખોર તત્વોને ખાસ કાંઈ કર્ક ન પડે તેવો સંનિષ્ઠ અને કડક છાપ ધરાવતા એક નિવૃત્ત અધિકારીએ મત વ્યક્ત કર્યો હતો. પીઆઈ પાસે ફરજ બહારની કોઈ અપેક્ષા ન હોય તો પીઆઈ પણ કન્ટ્રોલમાં રહી શકે નો ગણગણાટ હશે.
