રોડનું નબળું કામ બિલકુલ નહીં ચલાવી લેવાય, અત્યાર સુધી શું કરતા હતા ? રાજકોટ, અમદાવાદ સહિતના તંત્રને મુખ્યમંત્રીએ રોકડું પરખાવ્યું
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને હળવાથી અતિ ભારે વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે દરેક શહેર-જિલ્લામાં રસ્તા ઓછા અને ખાડા વધુ દેખાઈ રહ્યાની બૂમરાણ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. લોકો રોષપૂર્વક આ મુદ્દે રજૂઆતો પણ કરી રહ્યા છે ત્યારે આ ગંભીર મુદ્દાની નોંધ લઈને ખુદ મુખ્યમંત્રીએ ચારેય મહાનગરના જવાબદાર અધિકારીઓ સહિતના સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી રોડ-રસ્તાનું નબળું કામ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને અધિકારીઓ દ્વારા અત્યાર સુધી આ દિશામાં શું કાર્યવાહી કરવામાં આવી હતી તે સહિતના મુદ્દે `હિસાબ’ પણ માંગ્યો હતો.

આ વીસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક અધિકારીઓને ભારપૂર્વક તાકિદ કરીને કહ્યું કે લોકોને દેખાય એવું કામ કરવું બિલકુલ જરૂરી બની ગયું છે. સરકાર પાસે રોડ-રસ્તાના કામ માટે પૈસાની કોઈ જ કમી નથી એટલા માટે કામ પણ યોગ્ય અને ટકાઉ થવું જોઈએ. ખાસ કરીને સારું કામ કરી શકે તેવા જ કોન્ટ્રાક્ટરને રસ્તાનું કામ કેમ આપવામાં આવતું નથી તેવો સવાલ પણ આ બેઠકમાં મુખ્યમંત્રીએ પૂછયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું તે રસ્તાકામની ગુણવત્તામાં સુધારો અત્યંત આવશ્યક બની ગયો છે.

આ બેઠકમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત તમામ 17 મહાપાલિકા-નગરપાલિકાના અધિકારીઓ જોડાયા હતા અને તેમણે પોતાના શહેરના રસ્તા પર પડેલા ખાડાની સ્થિતિનો વિસ્તૃત ચિતાર પણ આપ્યો હતો. આ બેઠકમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠૌર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકાસિંઘ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ રેમ્યા મોહન, મુખ્યમંત્રીના ઓએસડી ધીરજ પારેખ, માર્ગ-મકાન વિભાગના સચિવ પ્રભાત પટેલિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નબળું કામ કરનારી એજન્સીને દંડ ફટકારો, ટેન્ડરમાં નવી શરત ઉમેરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓને એવી સુચના પણ આપી હતી કે રોડ-રસ્તાનું નબળું કામ કરનારી એજન્સીને દંડ ફટકારવામાં આવે સાથે સાથે રસ્તા કામના જે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં કામની ગુણવત્તા જળવાય તે માટે આકરી શરત પણ ઉમેરો. એકંદરે નબળું કામ હવે બિલકુલ ચાલશે નહીં.

ચોમાસામાં દર વર્ષે એક જ જગ્યાએ પાણી ભરાય છે છતાં કેમ કોઈ કાર્યવાહી નહીં ?
રાજકોટ હોય કે સુરત, વડોદરા હોય કે અમદાવાદ દર વર્ષે ચોમાસામાં એક જ જગ્યાએ પાણી ભરાતું હોવાનું ધ્યાન પર આવતાં મુખ્યમંત્રીએ આ અંગે પણ અધિકારીઓને સખત શબ્દોમાં કહ્યું હતું કે આવું દર વર્ષે બની રહ્યું છે છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ? સ્થિતિ સુધરી કેમ નથી રહી ? લોકો કેમ આ અંગે વારંવાર ફરિયાદ કરવા માટે મજબૂર બની રહ્યા છે ? આ સવાલોનો અધિકારીઓ પાસે કોઈ જ પ્રકારનો સંતોષકારક જવાબ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : દેશમાં 1 લાખથી વધુ હિન્દુ સંમેલનો યોજાશે, ઘરે-ઘરે જઈને ધર્મ જાગરણ અંગે ચર્ચા થશે : સુનિલ આંબેકરની જાહેરાત
રજાના દિવસે પણ રસ્તા રિપેરિંગનું કામ ચાલું રાખો
મુખ્યમંત્રીએ એવી સુચના પણ આપી હતી કે વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ કરવાની જગ્યાએ રસ્તા રિપેરિંગની કામગીરી ચાલું રહેવું જોઈએ. રસ્તા ઉપરાંત પુલના રિપેરિંગ તેમજ પેચવર્ક માટે વરસાદ બંધ થવાની રાહ ન જોવી જોઈએ. રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામ ચાલું જ રાખવું જોઈએ.
