કલમ પરત ખેંચવા માટે કોર્ટે પણ વાંધો ન લીધો: હવે પાદરિયાને ટેબલજામીન જ મળી જશે
પાદરિયાએ સરધારાને જીવલેણ ઈજા પહોંચાડ્યાનો મેડિકલ સર્ટિફિકેટમાં ઉલ્લેખ નહીં
નિવેદન, સીસીટીવીની ચકાસણી, મેડિકલ સર્ટિ. સહિતની તપાસ બાદ ભારેખમ કલમ પરત ખેંચવા કોર્ટમાં કરાઈ હતી અરજી
સરદારધામના ઉપપ્રમુખ અને જૂનાગઢ પોલીસ ટે્રનિંગ સ્કૂલના પીઆઈ સંજય પાદરિયા વચ્ચે લગ્ન પ્રસંગમાં થયેલી મારામારીની ઘટના બાદ દરરોજ તરેહ તરેહની ચર્ચાઓ અને અટકળો સામે આવી રહી છે. બીજી બાજુ પોલીસ દ્વારા પીઆઈ પાદરિયા ઉપર જયંતી સરધારાની હત્યાનો પ્રયાસ કર્યાની ભારેખમ કલમો ઉમેરાઈ હતી પરંતુ ઉંડાણપૂર્વકની તપાસ કરાતાં આ કલમ ખોટી રીતે ઉમેરાઈ ગઈ હોવાનું ધ્યાન પર આવતાં પોલીસ દ્વારા પાદરિયા પર લગાવેલી હત્યાના પ્રયાસની કલમ પરત ખેંચવા અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ કોર્ટે પણ કોઈ પ્રકારનો વાંધો ન લેતાં હવે પાદરિયા પર હત્યાના પ્રયાસની કલમ પરત ખેંચવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા સ્વતંત્ર સાહેદના નિવેદન નોંધ્યા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળ તેમજ આસપાસના સીસીટીવીની ચકાસણી તેમજ જયંતી સરધારાને અપાયેલી સારવારના મેડિકલ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી હતી. આ તમામ તપાસ બાદ પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે આ એક મારામારી હતી અને પીઆઈ દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો જ ન્હોતો સાથે સાથે તેમની પાસે કોઈ પ્રકારનું હથિયાર પણ હતું જ નહીં.
એકંદરે હત્યાના પ્રયાસની કલમ દૂર થઈ જતાં હવે પાદરિયાની ધરપકડ થાય અથવા તો તેઓ સામેથી જ પોલીસ સમક્ષ સરન્ડર કરી દે છે તો તેમને ટેબલ જામીન મતલબ કે પોલીસ મથકમાંથી જ જામીન મળી જશે.બીજી બાજુ પીઆઈ પાદરિયાએ કોઈ હથિયારનો ઉપયોગ કર્યો જ ન્હોતો આમ છતાં શા માટે જયંતી સરધારા દ્વારા હથિયારથી હુમલો કરાયાની ફરિયાદ નોંધાવી હતી, શું તેમની સામે ખોટી ફરિયાદ નોંધાવાનો ગુનો દાખલ થશે ? આ પ્રશ્નો ઉત્તર આપતાં ડીસીપીએ જણાવ્યું હતું કે જરૂર થઈ શકે પરંતુ હાલ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન્હોતો.