- રાઇડ્સ સંચાલકોએ એસઓપી મુદ્દે અને આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ સ્ટોલ ઘટાડવાની માંગ સાથે હરરાજીનો બહિષ્કાર કર્યો
રાજકોટ : ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ સરકારે લોકમેળામાં રાઇડ્સ માટે કડક એસઓપી અમલમાં મુક્ત જ રાજકોટના લોકમેળાની રંગત જાણે ફિક્કી પડી રહી હોય તેવા સંકેતો વચ્ચે આજે ત્રીજા પ્રયત્નમાં પણ રાઇડ્સ સંચાલકોએ હરરાજીનો બહિષ્કાર કરી દીધો છે, બીજી તરફ લોકમેળાના આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ પણ છેલ્લી ઘડીએ સ્ટોલ ઘટાડો અથવા અપસેટ પ્રાઈઝ ઘટાડો તેવી માંગ કરી લોકમેળાની હરરાજીનો બહિષ્કાર કરી દેતા તંત્ર વિમાસણમાં મુકાયું છે, જો કે, જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, લોકમેળામાં રાઇડ્સ કરતા લોકોની સુરક્ષા મહત્વની છે અને સરકારની એસઓપીમાં કોઈ જ ફેરફાર અમે નહીં કરી શકીએ સાથે જ રાઇડ્સ સંચાલકો ન આવે તો પણ મેળો તો યોજાશે જ.
રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.24થી 28 દરમિયાન યોજાનાર લોકમેળા માટે યાંત્રિક આઇટમો અને આઈસ્ક્રીમ ચોકઠાં માટે ગુરુવારે આખરી કહી શકાય તેવી હરરાજી યોજવામાં આવી હતી. જો કે, રાઈડસ સંચાલકો શરૂઆતથી જ જમીનના સોઇલ ટેસ્ટિંગ, એનડીટી રિપોર્ટ, ફાઉન્ડેશન સહિતના મુદ્દે વિરોધ કરી રાઈડર્સના ટિકિટના દરમાં વધારો કરવાની માંગ સાથે હરારજીનો બહિષ્કાર કરી રહ્યા છે એ જ પેટર્ન ઉપર ગુરુવારે પણ હરરાજીનો બહિષ્કાર કર્યો હતો. જો કે, જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાઇડ્સ માટેના નિયમો સરકારે નક્કી કરેલા છે જેમાં સ્થાનિક કક્ષાએ ફેરફાર અશક્ય છે. સાથે જ લોકમેળામાં આવતા સહેલાણીઓની સુરક્ષા તંત્રની પ્રાથમિકતા છે, લોકોની સુરક્ષા માટે કોઈ જ બંધ છોડ નહિ કરવામાં આવે અને કદાચ રાઇડ્સ સંચાલકો મેળામાં ન આવે તો પણ ખાણીપીણી, રમકડાં સહિતના અનેકવિધ સ્ટોલ તેમજ મનોરંજક કાર્યક્રમો લોકોના મનોરંજન માટે પૂરતા હોવાનું તેમને જણાવ્યું હતું.
બીજી તરફ ગુરુવારે યાંત્રિક આઇટમોના ધંધાર્થીઓની સાથે -સાથે આઈસ્ક્રીમના ધંધાર્થીઓએ ધોકો પછાડી કા તો તંત્ર આઈસ્ક્રીમના 16 સ્ટોલ છે તે ઘટાડી 11 કરે અથવા તો આ વર્ષે 4.50 લાખની અપસેટ પ્રાઈઝ નક્કી કરવામાં આવી છે તે ઘટાડી ગતવર્ષની જેમ જ 3.50 લાખ કરવામાં આવે તેવી માંગ કરી આઇસ્કીમ ચોકઠાની હરરાજીથી દૂર રહ્યા હતા.
રાજકોટ નહીં રાજ્યના એકેય મેળામાં રાઇડ્સ નહીં લાગે : ધંધાર્થી
રાજકોટના લોકમેળામાં સરકારીની એસઓપી હળવી બનાવવાની માંગ કરી રહેલા અરવિંદભાઈ બગડા નામના રાઇડ્સના ધંધાર્થીએ જણાવ્યું હતું કે, પાંચ દિવસના મેળા માટે રાઇડ્સ માટે ફાઉન્ડેશન ભરવું અને એનડીટી રિપોર્ટ કરાવવા પોસાય તેમ નથી જો સરકાર દ્વારા રાઇડ્સ માટેના નિયમો હળવા નહીં કરવામાં આવે તો રાજકોટ જ નહીં એક પણ મેળામાં રાઇડ્સ નહીં લાગે, સાથે જ તેમને રાઇડ્સ માટે ધંધાર્થીઓ બે કરોડનો વીમો, સોગંદનામું સહિતના નિયમો પાલન કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
ધંધાર્થીઓ નહીં આવે તો કંપની મારફતે સ્ટોલ લાગશે
રાજકોટના લોકમેળામાં આઈસ્ક્રીમના ધંધાર્થીઓ દ્વારા સ્ટોલ ઘટાડવા અથવા તો અપસેટ પ્રાઈઝ ઘટાડવાની માંગ સાથે હરરાજીનો બહિષ્કાર કરવામાં આવતા લોકમેળા સમિતિ દ્વારા હવે સીધા જ આઈસ્ક્રીમ કંપનીઓ અને ડીલરોનો સંપર્ક કરી લોકમેળામાં આઈસ્ક્રીમ સ્ટોલ કાર્યરત કરવા પ્રયાસો શરૂ કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.