સુરતના પટેલ યુવાનની કેનેડામાં પાડોશીએ કરી હત્યા
ઓટાવા પાસે રોકલેન્ડમાં રહેતા અને રેસ્ટોરન્ટમાં કામ કરતા ધર્મેશ કથીરિયાને ચાકુ હુલાવી દેવાયુ
મૃતદેહને સુરત લાવવા માટે કેનેડામાં શરુ થયું ક્રાઉડ ફંડિંગ
મુળ સુરતના મોટા વરાછાના રહેવાસી અને કેનેડામાં ઓટાવા પાસે રોકલેન્ડમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતા એક યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે. જેની હત્યા થઇ છે તે યુવાનનું નામ ધર્મેશ કથીરિયા છે અને તેની ઉમર ૨૯ વર્ષની છે. તેની હત્યા કરવાનો જેના પર આરોપ છે તે પડોશમાં રહેતા વ્યક્તિની પોલીસે ધરપકડ કરી લીધી છે પરંતુ ધર્મેશની હત્યા પાછળનો હેતુ જાણવા મળી શક્યો નથી.
ધર્મેશના મૃતદેહને સુરત લાવવા માટે હજારો ડોલરનો ખર્ચ થવાનો છે અને ધર્મેશના પરિવારને મદદ કરવા માટે હાલ જે ક્રાઉડફન્ડિંગ શરૂ કરવામાં આવ્યું છે.ધર્મેશ માટે 18 હજાર કેનેડિયન ડોલર ભેગા કરવાનો ટાર્ગેટ છે જેમાંથી 16 હજાર ડોલરથી પણ વધુની રકમ ભેગી થઈ ચૂકી છે.
ધર્મેશના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા, પરંતુ તેની પત્ની કેનેડામાં જ રહે છે કે કેમ તેની કોઈ માહિતી નથી મળી શકી.
તેના પેજ પર અપાયેલી માહિતી અનુસાર ધર્મેશ પર તેના જ પાડોશીએ અટેક કર્યો હતો અને આ અટેકને હેટ ક્રાઈમ પણ ગણાવાઈ રહ્યો છે. મતલબ કે ધર્મેશ કેનેડામાં રેસિઝમ અથવા હેટ ક્રાઈમનો શિકાર બન્યો છે, પરંતુ કેનેડાની પોલીસ તપાસ પૂરી ના થાય તે પહેલા આ અંગે કશુંય બોલવા તૈયાર નથી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ધર્મેશ કથીરિયા મિલાનો પિઝેરિઆ નામની એક રેસ્ટોરાંમાં મેનેજર તરીકે કામ કરતો હતો, જે ઓન્ટારિયોની રસેલ કાઉન્ટીના રોકલેન્ડમાં લોરિએર સ્ટ્રીટમાં આવેલી છે. ધર્મેશ પર જે સમયે અટેક થયો ત્યારે તે ઘરે હતો કે જોબ પર તેની ચોખવટ નથી થઈ શકી.