સ્કૂલના પ્રવાસમાં હવે બે પોલીસકર્મી પણ સાથે આવશે : ગુજરાત સરકારે બદલ્યા નિયમ, પોલીસ મથકે ફરજિયાત જાણ કરવા આદેશ
શિક્ષણ એ બાળકોના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવી જ રીતે શિક્ષણ સાથે કરાવવામાં આવતી સ્કૂલ એક્ટિવિટી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સ્કૂલ એક્ટિવિટીમાની એક છે પ્રવાસ. વર્ષમાં એકવાર સ્કૂલમાં બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ માટેના નવા નિયમ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.

સ્કૂલ પ્રવાસ માટે નવા નિયમ
હરણી બોટ દુર્ઘટના બાદ સરકાર દ્વારા પ્રવાસના નવા નિયમ જ બહાર પાડયા છે. રાજ્યની તમામ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી DGP-IGP કોન્ફરન્સ-2024 દરમિયાન વડાપ્રધાનઅને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને પગલે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

પ્રવાસમાં 2 પોલીસકર્મી સાથે રાખવા પડશે
પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.
આ પણ વાંચો : માણસ-મશીન વધારીને પણ ચોમાસા પહેલાં સર્વેશ્વર ચોકનું કામ પૂર્ણ કરો : મોડીરાત સુધી કામ ચાલુ રાખવા RMC કમિશનરનો આદેશ
વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ને નિર્દેશ કર્યો છે કે, આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત થઈ શકે, સાથે સાથે અન્ય મહત્વનો ઉદ્દેશ્ય છે કે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય અને પરસ્પર સુમેળ સંબંધ કેળવાય.