હવે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો ભરડો: ત્રીજા બાળકનો ભોગ લીધો
જામનગર અને ભાવનગરમાં બે બાળકના મોત બાદ આજે ઉનાના બાળકે સારવાર દરમિયાન દમ તોડ્યો: આરોગ્ય વિભાગમાં દોડધામ: સોંદરડી ગામના ૧૫૦ મકાનનો સર્વે કરાયો
દર વર્ષે ચોમાસામાં દેખા દેતા ચાંદીપુરા વાયરસે આ વર્ષે પણ ઉપાડો લીધો છે. મધ્ય ગુજરાતના હિંમતનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસે અડધો ડઝન બાળકોનો ભોગ લીધા બાદ હવે બાળકો માટે અતિ ઘાતક ગણાતા ચાંદીપુરા વાયરસે સૌરાષ્ટ્રમાં દેખા દીધી છે ત્યારે આજે ઉના પંથકના પાંચ વર્ષના બાળખનું ભેદી તાવથી મોત થયું છે. બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોય આરોગ્ય વિભાગે લોહીના નમુના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
ચોમાસાની સિઝનમાં દેખા દેતા ભેદી ચાંદીપુરા વાયરસે આ વર્ષે પણ હાહાકાર મચાવી દીધો છે. મધ્ય ગુજરાતના હિંમતનગર, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કારણે ૬થી વધુ બાળકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક બાળકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બે સપ્તાહથી ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલા ભેદી ચાંદીપુરા વાયરસે હવે સૌરાષ્ટ્રમાં એન્ટ્રી કરી છે. જામનગર અને દ્વારકામાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ જોવા મળ્યા હતા જેમાં એક બાળકનું મોત થયું હતું.
આ પણ વાંચો: ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 3,900 કિલો નશીલા પદાર્થો સળગાવાયા!!!
જ્યારે ભાવનગરમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બે કેસ જોવા મળ્યા હતા જેમાં વલ્લભીપુર પંથકના મેલાણા ગામના ૬ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ આજે ઉના તાલુકાના સોંદરડી ગામમાં પાંચ વર્ષના બાળક યુવરાજ ગોહિલને ભેદી તાવ આવતો હોય ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવે તે પહેલાં ભાવનગરની હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં ગીર-સોમનાથ જિલ્લાના આરોગ્ય અધિકારી સહિતનો સ્ટાફ સોંદરડી ગામે ધસી જઈ ૧૫૦થી વધુ મકાનનો સર્વે કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા પ્રમાણે ઉના તાલુકાના સોંદરડી ગામના પાંચ વર્ષના યુવરાજ ગોહિલને ગત તા.૧૭-૭ના તાવ આવતા પરિવારે સ્થાનિક ડોક્ટર પાસેથી દવા લીધી હતી પરંતુ તાવ ઉતરતો ન હોય તા.૧૮-૭ના મહુવા હોસ્પિટલમાં બાળકને ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ હોવાની તબીબને શંકા જતાં ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું.
૨૦૨૪માં ચાંદીપુરા વાયરસ ૮૨ બાળકોને ભરખી ગયો’તો
ચોમાસાની સિઝનમાં દેખા દેતા ચાંદીપુરા વાયરસે ૨૦૨૪માં પણ હાહાકાર મચાવી દીધો હતો. ભેજવાળા વાતાવરણમાં દેખા દેતા ચાંદીપુરા વાયરસનું વહન માખી જેવું નાનું જીવડું કરડે છે જે બાળકને ડંખ દીધા બાદ બાળક ભેદી તાવમાં સપડાઈ જાય છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ ૨૦૨૪માં ચાંદીપુરા વાયરસે ૮૨ બાળકોનો જીવ લીધો હતો.
