ટીચર્સ યુનિવર્સીટીના નવનિયુક્ત વાઈસ ચાન્સેલર વિવાદમાં ફસાયા
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગના તેમના ડ્રાઈવરે આત્મહત્યા કર્યા બાદ સુસાઈડ નોટના આધારે સરોજ શર્મા સામે આરોપો
ગાંધીનગર સ્થિત ટીચર્સ યુનિવર્સીટીના નવનિયુક્ત વાઈસ ચાન્સેલર અને હાલના કેન્દ્ર સરકાર સંચાલિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલિંગનાં અધ્યક્ષા સરોજ શર્મા મુશ્કેલીમાં મુકાયા છે. દિલ્હી પોલીસે સરોજ શર્માના ડ્રાઈવર રામકુમાર પવારે આત્મહત્યા કર્યા બાદ સુસાઇડ નોટના આધારે એસ.સી. એસ.સી. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ધ પ્રિન્ટ અખબારના સમાચાર અનુસાર, રામકુમાર પવારે થોડા સમય પહેલા શિક્ષણ મંત્રાલયમાં અને અનુસુચિત જાતિ અંગેના રાષ્ટ્રીય આયોગમાં પત્ર લખીને સરોજ શર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને તેને જાતિવાદી અપશબ્દો કહેવામાં આવે છે અને ઉત્પીડન કરવામાં આવે છે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત સરોજ શર્મા પર “ગેરકાયદેસર અને મનસ્વી રીતે” નોઇડા હેડક્વાર્ટરથી બેંગલુરુના NIOS પ્રાદેશિક કેન્દ્રમાં ટ્રાન્સફર કરવાનો આરોપ મૂક્યો હતો. આ રજૂઆત બાદ રામકુમારે આત્મહત્યા કરી લીધી હતી.
રામ કુમારે લખેલી કથિત સુસાઇડ નોટમાં, સરોજ શર્માનું નામ “મારા મૃત્યુ માટે જવાબદાર” વ્યક્તિ તરીકે આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રામ કુમારના પુત્ર અભિ પવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને પગલે સમયપુર બદલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.
જોકે એફઆઈઆરમાં સરોજ શર્માને આરોપી બનાવવામાં આવ્યા નથી આ એફ.આઈ.આર. ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્યાની ઉશ્કેરણી), તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (નિવારણ) ની કલમ 3(2)(V) અને 3(2)(VII) હેઠળ નોંધવામાં આવી હતી.
જ્યારે સરોજ શર્માનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું: “હું હાલમાં વિદેશમાં છું. મને તેમના મૃત્યુ વિશે ખબર પડી છે પરંતુ મને ખબર નથી કે આરોપો શું છે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, તાજેતરમાં જ સરકારે સરોજ શર્માની ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનાં વાઈસ ચાન્સેલર તરીકે નિમણુંક કરી છે અને હાલમાં અમેરિકા છે.ત્યાંથી પરત આવ્યા બાદ તેઓ ચાર્જ સંભાળશે તેવું જાણવા મળ્યું છે.