પશ્ચિમ બંગાળમાં જુનિયર તબીબો ફરી પાછા હડતાલ પર ઉતરી ગયા
સરકાર સલામતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ
પશ્ચિમ બંગાળમાં સરકાર તબીબોની સલામતી માટે પર્યાપ્ત પગલાં લેવામાં નિષ્ફળ ગઇ હોવાના આક્ષેપ સાથે જુનિયર તબીબો મંગળવારે ફરી એક વખત હડતાલ પર ઉતરી ગયા હતા.
કોલકત્તાની આરજી કર હોસ્પિટલ ની ઘટના બાદ જુનિયર તબીબોએ 40 દિવસની હડતાલ પાડી હતી. એ પછી મુખ્યમંત્રી મમતા બેનરજી સાથેની મુલાકાત બાદ 21 સપ્ટેમ્બર થી તબીબોએ આંશિક કામગીરી શરૂ કરી હતી. જોકે એ દરમિયાન સાગોર દત્ત સરકારી મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા એક દર્દીના સગાઓએ તબીબોને માર મારતા ફરી વિવાદ સર્જાયો હતો.
એ ઘટનાન અનુસંધાને જુનિયર તબીબોએ કહ્યું કે અમારા આંદોલનને 52 દિવસ થઈ ગયા છતાં અમારી ઉપર હુમલા ચાલુ છે. જુનિયર તબીબોના સંગઠનના પ્રવક્તા ડોક્ટર અનિકેત મહાતોએ કહ્યું કે મુખ્યમંત્રીએ આપેલા વચનો પૂર્ણ નથી થયા. આ સંજોગોમાં અમારી પાસે હડતાલ ઉપર ઉતરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. જુનિયર તબીબોએ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી તથા દુર્ગા પૂજા ઉત્સવના પ્રારંભે કોલકત્તામાં રેલી કાઢવાની જાહેરાત પણ કરી હતી.
સરકારે 15 ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકારે પૂરની પરિસ્થિતિ વચ્ચે પણ સલામતી વ્યવસ્થા અંગે 26% કાર્ય પૂર્ણ થઈ ગયું હોવાનો ખુલાસો કર્યો હતો. સરકારના વકીલે કહ્યું કે રાજ્યભરની હોસ્પિટલોમાં સીસીટીવી કેમેરા લગાવવા અને મહિલા તબીબો માટે અલગ બાથરૂમ અને રેસ્ટરૂમ બનાવવા માટે ટેન્ડર સહિતની પ્રક્રિયાઓ અનુસરવી પડે છે અને તેમાં સમય લાગી શકે છે. સરકારે અદાલતને 15 ઓક્ટોબર સુધીમાં એ બધા કાર્યો પૂર્ણ થઈ જવાની ખાતરી આપી હતી.