નીટ પેપર લીક કેસમાં શનિવારે સીબીઆઈએ ગુજરાતમાં વીજળીક ઓપરેશન હાથ ધર્યું હતું. અને મોટી કાર્યવાહી કરી હતી. સીબીઆઈએ ગુજરાતના 4 જિલ્લામાં 7 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને કૌભાંડમાં સહાયક કોણ કોણ છે તેની કડીઓ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સીબીઆઈએ ગુજરાતમાં ગોધરા, ખેડા, આણંદ અને અમદાવાદના સ્થળો પર દરોડા પાડ્યા હતા અને તપાસ આગળ ધપાવી હતી. 4 આરોપીઓને શનિવારે અદાલતે 2 જી જુલાઇ સુધી રિમાન્ડ પર સોંપ્યા હતા.
દરમિયાનમાં સીબીઆઈએ હજારીબાગમાંથી પત્રકાર જમાલુદ્દીનની પણ ધરપકડ કરી હતી. જમાલુદ્દીન પર પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલની મદદ કરવાનો આરોપ છે. જમાલુદ્દીન ફોન દ્વારા પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલના સતત સંપર્કમાં હોવાનું કોલ ડિટેઈલ્સમાં જાણવા મળ્યું છે. પૂછપરછ દરમિયાન તે પેપર લીકમાં પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલને મદદ કરતો હોવાનું બહાર આવ્યું હતું.
4 આરોપી રિમાન્ડ પર
સીબીઆઈએ ગુજરાતના ગોધરામાં 5 મેના રોજ નીટ -યુજી પરીક્ષામાં ગેરરીતિમાં કથિત સંડોવણી બદલ ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા પાંચ લોકોમાંથી ચારના ચાર દિવસના રિમાન્ડની અપીલ કરી હતી. અદાલતે 2 જી જુલાઇ સુધી 4 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સીબીઆઈના વકીલ ધ્રુવ મલિકે જિલ્લા અદાલતને માહિતી આપી હતી કે ગુજરાત પોલીસે અગાઉ તપાસ કરી હતી, પરંતુ એજન્સીને આ આરોપીઓને કસ્ટડીમાં લેવાની જરૂર હતી કારણ કે તે નવેસરથી તપાસ કરી રહી છે.
સીબીઆઇ 4 લોકોના રિમાન્ડની માંગણી કરી હતી જેમની ગુજરાત પોલીસ દ્વારા 8 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષક તુષાર ભટ્ટ, જય જલારામ સ્કૂલના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને વચેટિયા વિભોર આનંદ અને આરિફ વોહરનો સમાવેશ થાય છે. સીબીઆઈએ શિક્ષણ સલાહકાર પરશુરામ રોયના રિમાન્ડની માંગણી કરી ન હતી. પાંચેય લોકો હાલ ગોધરા સબ જેલમાં બંધ છે.