- 1980ની સાલમાં બનેલા બહુમાળી ભવનમાં ક્યારેય ગુણવતા-મજબૂતાઈની તપાસ જ નથી થઇ : કચેરીમાં અનેક સ્થળોએ કટાયેલા સળિયા દેખાવા લાગ્યા
રાજકોટ : રાજકોટ શહેરના એક સમયની સૌથી ઉંચી એવી સાત માળની બહુમાળી ભવન કચેરીની હવે અવસ્થા થઇ ગઈ હોય તેવા ઘાટ વચ્ચે શનિવારે બપોરના સમયે છઠ્ઠા માળે છ્તમાંથી પોપડા ખરી પડતા કચેરી હવે જોખમી બનવા જઈ રહી હોવાનું સામે આવ્યું છે, અંદાજે 44 વર્ષ જુના બહુમાળી ભવનમાં અનેક જગ્યાએ બીમ કોલમના કટાઈ ગયેલા સળિયા પણ બહાર ડોકિયાં કરવા લાગ્યા છે, સૂત્રોના મતે કચેરીના નિર્માણ બાદ ક્યારેય ગુણવતા કે મજબૂતાઈ મામલે તપાસ થઇ ન હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રેષકોર્ષ સામે આવેલ શહેરના સૌથી મોટા અને જુના સરકારી સંકુલમાં હાલમાં જીએસટી, સમાજ કલ્યાણ, રમતગમત, જિલ્લા રજિસ્ટ્રાર, સ્ટેટ બેન્ક, ઔદ્યોગિક સલામતી, લેબર વિભાગ, ન્યાય અને અધિકારીતા વિભાગ, સિંચાઈ, ભૂસ્તર શાસ્ત્રી સહિતની નાની -મોટી 95 જેટલી કચેરીઓ બેસે છે, વર્ષ 1980ના અરસામાં બહુમાળી ભવનના નિર્માણ બાદ આ સંકુલની ગુણવતા અને મજબૂતાઈની ચકાસણી કરવાનું જવાબદાર સરકારી બાબુઓ ભૂલી જતા હાલમાં કચેરીની હાલત જર્જરિત બન્યાનું સામે આવ્યું છે. આરસીસી સ્ટ્રક્ચર અને બીમ કોલમ ઉપર બનેલી કચેરીમાં વ્યાપક ભેજ આવવાથી બીમ કોલમના સળિયા દેખાવા લાગ્યા છે. તેવામાં શનિવારે બપોરના સમયે કચેરીના છઠ્ઠા માળે ટોયલેટ બ્લોક વચ્ચેના ભાગે છ્તમાંથી પોપડા ખરી પડયા હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, વર્ષ 1980ના દાયકામાં રાજકોટમાં સૌથી ઉંચી એવી પ્રથમ ઇમારત બનતા વર્ષોથી આ ઇમારતે બહુમાળી ભવન નામની ઓળખ જાળવી રાખી છે. સરકારી સંકુલમાં રખરખાવને અભાવે હાલમાં અનેક વિભાગોમાં અને ખાસ કરીને લોબીમાં પાણી ભરાઈ જવાની ઘટના રોજિંદી બની છે અને સામાન્ય વરસાદમાં પણ બહુમાળી ભવનની લોબીમાં પાણી ભરાઈ જતા હોય ત્યારે શનિવારે છ્તમાંથી પોપડા ખરવાની સાથે લોબીમાં પાણી પણ ભરાઈ ગયા હતા. આ સંજોગમાં 95 કચેરીઓ એક જ જગ્યાએ બેસતી હોય સ્વાભાવિક પણે જ સેંકડો અરજદારોની રોજિંદી અવરજવર રહેતી હોય તાકીદે બહુમાળી ભવનની ગુણવતા અને મજબૂતાઈ ચકાસી દુરસ્તી કાર્ય કરવામાં આવે તે જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.