રાજકોટમાં સર્જાયેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને પગલે જિલ્લા કલેકટર દ્વારા પ્રથમ વખત જ લોકમેળામાં એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ-ટુ-રાખવા સરકાર સમક્ષ માંગણી કરી છે, નોંધનીય છે કે, લોકમેળામાં અંદાજે 10થી 12 લાખ લોકો આવતા હોય તંત્ર દ્વારા બે દિવસ પૂર્વે દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મદદથી સેમિનાર યોજી ક્રાઉડ મેનેજમેન્ટ અંગે મહત્વની ટિપ્સ પણ મેળવી છે.
સામાન્ય રીતે કુદરતી આફતો સમયે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોની મદદ લેવામાં આવે છે પરંતુ રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને પગલે લોકમેળા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ લોકમેળામાં પાંચે-પાંચ દિવસ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને લોકમેળામાં તૈનાત કરવા સરકાર સમક્ષ માંગણી કરી છે.
જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, લોકમેળા દરમ્યાન કોઈ આફત જેવી દુર્ઘટના સર્જાવાના સંજોગોમાં સુરક્ષા બચાવ ક્ષેત્રની નિષ્ણાંત ટીમો મૌજુદ રહે તેવા આશયથી સરકાર સમક્ષ એનડીઆરએફ અને એસડીઆરએફની ટિમ ફાળવવા માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજ્યમાં પ્રથમ કહી શકાય તેવો ક્રાઉડ મેનેજમેન્ટ વિશેનો ખાસ વર્કશોપ યોજાયો હતો જેમાં રાજકોટ સહિતના 11 જિલ્લાના અધિકારીઓને નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં નિષ્ણાંતો દ્વારા મહત્વની ટિપ્સ સાથે તાલીમ આપી લોકમેળામાં ક્રાઉડ મેનજમેન્ટ અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.