ઉમરગામમાં સામૂહિક આપઘાતની ઘટના : પતિ-પત્નીએ 2 વર્ષના માસૂમ સાથે જીવન ટૂંકાવી લેતા ખળભળાટ, પોલીસ તપાસ શરૂ
રાજ્યમાં સામૂહિક આપઘાતના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે. ત્યારે ઉમરગામમાં પણ હૈયું હચમચાવતી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં પતિ-પત્નીએ બે વર્ષના બાળક સાથે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળાફાંસો ખાધો હોવાનું અનુમાન હાલ લગાડવામાં આવો રહ્યું છે. કયા કારણોસર પરિવારે આ પગલું ભર્યું તેનું કારણ હજુ અકબંધ છે ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામની છે જ્યાં પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવી લીધું હતું. વિગતો અનુસાર પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો ત્યારે પાડોશીને આ ઘટનાની જાણ સૌથી પહેલા થઈ હતી. પાડોશીઓએ લાંબા સમય સુધી તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. શંકા જતાં પાડોશીઓએ દરવાજો તોડીને અંદર જોયું તો પતિ ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો, જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલા જોવા મળ્યા હતા. પાડોશીઓએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટના જાણ પોલીસને થતાં ઉમરગામ પોલીસ સાથે ડી.વાય.એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ પહેલા પોતાના માસૂમ બાળકની હત્યા કરી અને પછી પોતાનુ જીવન ટૂંકાવી લીધું. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિવારના આપઘાતના કારણો અંગે તપાસ ચાલી રહી છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર ગામને ગમગીન કરી દીધું છે.