મુખ્યમંત્રીના હસ્તે વ્યોમેશ ઝાલાના પુસ્તક ‘અપરાજિતા’નુ લોકાર્પણ
ગાંધીનગર
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પોતાના સ્વર્ણિમ સંકૂલ-1 કાર્યાલયમાં જાણીતા લેખક વ્યોમેશ ઝાલાના ત્રીજા પુસ્તક ‘અપરાજિતા’નો લોકાર્પણ યોજાયો હતો. વ્યવસાયે બેંક મેનેજર તરીકે ફરજ બજાવી સેવા નિવૃત જીવન ગાળતા લેખકે આ પૂર્વે લબ્ધ પ્રતિસ્ઠ પુસ્તક ‘જીવન સંધ્યા’ એ દેશ-વિદેશમાં વાંચકોનો બહોળો પ્રતિસાદ મેળવ્યો હતો. ‘અપરાજિતા’ પુસ્તકમાં જીવનલક્ષી પ્રસંગો ઉપરાંત મર્મજીવી ટૂંકી વાર્તાઓ સામેલ છે.
પુસ્તક લોકાર્પણ પ્રસંગે જાણીતા સાહિત્યકાર ડો. કનૈયાલાલ ભટ્ટ, પૂર્વ બેન્ક મેનેજર દીપક છાયા, દીપક ભટ્ટ, પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમાજમાં વાંચનભૂખ જગાડવા અને 83 વર્ષની ઉમરે પણ સાહિત્યથકી સમાજ સેવાની અલખ જગાવતા રહેવા બદલ પુસ્તકનાં લેખક વ્યોમેશ ઝાલાને અભિનદન પાઠવ્યાં હતા. જાણીતા હાસ્ય કલાકાર અને પદમ પુરસ્કાર વિજેતા ડો જગદીશ ત્રિવેદીની પુસ્તક પાછળ પ્રેરણા અને જરૂર પડ્યે વ્યક્તિગત પ્રોત્સાહન રહ્યાં છે.
લેખકના સર્જન વિશે પદ્મશ્રી ડો જગદીશ ત્રિવેદીએ કહ્યું હતું કે, આ પુસ્તકમાં સર્જક પોતે લખે છે કે મારા ત્રણેય પુસ્તકોનું મૂલ્ય શૂન્ય છે. તેમજ આ વાક્યની આગળના ફકરામાં લખે છે કે,મારા બંને પુસ્તકોને વાંચકોએ ખોબલે-ખોબલે વધાવ્યા છે. હું એક વાત સ્પસ્ટ રીતે માનું છું કે જે પુસ્તકોને, વાંચકો ખોબલે-ખોબલે વધાવે તેનું મૂલ્ય શૂન્ય ના હોય પૂર્ણ જ હોય.
જે સાહિત્યકૃતિને ગામડાનો અલ્પશિક્ષિત પણ માણી શકે,એ જ સાચું સાહિત્ય. બાકી મગજમાં આંટી પડી જાય છતાં સમજાય નહીં એવા ક્લિષ્ટ શબ્દ પ્રયત્નપૂર્વક પ્રયોજી પોતાને સદાકાળ ઘુવડ ગંભીર રાખતા સર્જકો સાહિત્યના વેપારી છે, પૂજારી નથી.